ધારાસભામાં વિજયી બનેલા 12સાંસદોના સંસદમાંથી રાજીનામા
રાજ્ય સરકારમાં મોટા પદ મળવાની સંભાવના
બે કેન્દ્રીય મંત્રીઓ એ પણ રાજીનામ આપ્યા
તાજેતરમાં યોજાઈ ગયેલી પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં વિજયી થયેલા ભાજપના બે કેન્દ્રીય મંત્રી સહિત 12 સાંસદોએ બુધવારે લોકસભામાંથી રાજીનામા આપ્યા હતા. આ ઘટનાને પગલે મધ્યપ્રદેશ,રાજસ્થાન અને છત્તીસગઢમાં મુખ્યમંત્રી પદના ચેહરાને લઈને નવા તર્ક વિતર્કો શરૂ થયા છે. મંગળવારે ત્રણ રાજ્યોના મુખ્યમંત્રીના નામ નક્કી કરવા માટે વડાપ્રધાન મોદીના નિવાસ્થાને મળેલી ઉચ્ચસ્તરીય બેઠક બાદ સાંસદોને રાજીનામાં અપાવવાનો નિર્ણય લેવાયો તેને ખૂબ સૂચક માનવામાં આવે છે.
ધારાસભાની ચૂંટણીઓમાં કપરાં ચઢાણ દેખાયા બાદ ભાજપે મુખ્યમંત્રીના નામની જાહેરાત કરવાને બદલે મોદીના નામે સામૂહિક નેતૃત્વ હેઠળ ચૂંટણી લડવાની રણનીતિ અપનાવી હતી. સાથે જ મોટી સંખ્યામાં સાંસદોને પણ વિધાનસભાની ટિકિટ આપી હતી.
મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ભાજપે સાત – સાત, છત્તીસગઢમાં ચાર અને તેલંગણામાં ત્રણ સાંસદોને મેદાનમાં ઉતાર્યા હતા.
તેમાંથી તેલંગાણામાં ભાજપના એક પણ સાંસદનો વિજય નહોતો થયો. રાજસ્થાનમાં ભાજપના ત્રણ, મધ્યપ્રદેશમાં બે અને છત્તીસગઢમાં એક સાંસદ ચૂંટણી હારી ગયા હતા. કુલ 21 માંથી વિજય થયેલા 12 સાંસદોએ પક્ષના આદેશ મુજબ હવે સાંસદ પદેથી રાજીનામા આપી દીધા છે. વિજેતા થયેલા આ સંસદોમાં રાજસ્થાનમાં બાબા બાલકનાથ, દિયા કુમારી, કિરોડીમલ મીણા, મધ્યપ્રદેશમાંથી કેન્દ્રીય મંત્રીઓ નરેન્દ્રસિંહ તોમર અને પ્રહલાદ પટેલ તેમજ છત્તીસગઢમાંથી વિજય બઘેલ નો સમાવેશ થાય છે. જે તે રાજ્યોમાં આ બધાની મુખ્યમંત્રીના સંભવિત ચહેરા તરીકે ગણના કરવામાં આવે છે. આ સંજોગોમાં મધ્યપ્રદેશમાં શિવરાજ સિંહ ચૌહાણ તેમજ રાજસ્થાનમાં વસુંધરા રાજે જેવા દિગ્ગજ નેતાઓનું શું થશે તે જોવાનું રસપ્રદ બની રહેશે.