ચાર દિ’માં ૧૭૬ ઢોર ઝબ્બે
૧૫ ટીમ દ્વારા રાઉન્ડ ધ ક્લોક ચાલી રહેલી ઝુંબેશ
હાઈકોર્ટની આકરી ઝાટકણી બાદ દરેક શહેરની મહાપાલિકા દ્વારા ઢોર પકડવાની ઝુંબેશ ધારદાર બનાવવામાં આવી છે તે અંતર્ગત રાજકોટ મહાપાલિકા પણ દોડતી થઈ ગઈ છે. દરમિયાન તા.૧૬થી ૧૯ નવેમ્બર દરમિયાન રસ્તે રખડતાં ૧૭૬ ઢોર પકડીને ડબ્બે પૂરવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. મહાપાલિકા દ્વારા સવારે ૬ ટીમ, બપોર પછી ૬ ટીમ તેમજ રાત્રે ૩ ટીમ એમ કુલ ૧૫ ટીમને ૨૪ કલાક દોડાવાઈ રહી છે. દરમિયાન ચાર દિવસમાં સાગર સોસાયટી, પૂજા પાર્ક, મણીનગર, સોરઠીયાવાડી પ્લોટ શેરી નં.૨, લલુડી વોંકળી, રામનાથપરા, રૈયાનાકા ટાવર, જ્યુબેલી શાકમાર્કેટ સહિતના અલગ-અલગ વિસ્તારોમાંથી ૧૭૬ ઢોર પકડવામાં આવ્યા છે.
બાંધેલા ઢોર પકડાતાં માલધારીઓ વિફર્યા
ઢોરપકડ પાર્ટી દ્વારા પ્રહલાદ પ્લોટ વિસ્તારમાં ચીકા મેવાડાના ઘરેથી ઢોર પકડતાં જ મામલો બીચક્યો હતો અને મોટી સંખ્યામાં ટોળું એ-ડિવિઝન પોલીસ મથકે ધસી ગયું હતું. માલધારીઓએ આક્ષેપ કરતા જણાવ્યું કે ઢોરપકડ પાર્ટી દ્વારા દાદાગીરી કરવામાં આવી રહી છે ને બાંધેલા ઢોર પકડવામાં આવી રહ્યા છે જે બિલકુલ વ્યાજબી નથી. દરમિયાન મામલો પોલીસ મથકે પહોંચતાં થોડીવાર માટે ગરમાગરમી થયા બાદ આખરે સમાધાન થયું હતું.