તમે ટેસ્ટ કર્યો કે નહીં ?’ બે મીત્રોનો ધંધો પડી ભાંગ્યો’ને રાજકોટને મળી ગોગળી’
મુળ જામકંડોરણાની પણ છેલ્લા બે વર્ષથી રાજકોટની ફેવરિટ' બની ગયેલી વાનગી
કોરોના મહામારીએ અનેક પરિવારો વીખી નાખ્યા, અર્થતંત્ર તહેસ-નહેસ કરી નાખ્યું પરંતુ બે મીત્રો એવા છે જેમનો ધંધો પડી ભાંગતાં તેમણે રાજકોટમાં
ગોગળી’ કે જેને મીની ભજીયા' કહેવાય છે તેનું વેચાણ શરૂ કર્યું'ને ગયું
હિટ’
પેટા: આખા રાજકોટમાં દરરોજ ૧૦૦ કિલોથી વધુ ગોગળી'નું વેચાણ, કદાચ વધુ પણ હોઈ શકે: સાંજે ૪થી વહેલી સવારે ૪ વાગ્યા સુધી સ્વાદશોખીનો માણે છે આસ્વાદ: એક વખત
ગોગળી’ ખાનાર વ્યક્તિ તેનો કાયમી બંધાણી' બની જ જાય તેની ગેરંટી ૧૦૦% વૉઈસ ઑફ ડે, રાજકોટ રાજકોટમાં એવી અનેક વાનગીઓ મળી રહી છે જેનાથી કદાચ સ્વાદ શોખીનો અજાણ હોઈ શકે છે...આમ તો
ખાઉધરા’ (આ શબ્દ લખીને અહીં ટોકી નથી રહ્યા પરંતુ પ્રેમપૂર્વક ઉપયોગ કરીએ છીએ) હોય તેમને શહેરના ખૂણે-ખાચરે વેચાતી લગભગ તમામ વાનગીઓનો ખ્યાલ હોય જ છે પરંતુ હજુ સુધી રાજકોટ માટે બહુ પ્રખ્યાત નહીં થયેલી એક વાનગીની પ્રસ્તુતિ આ વખતના એપિસોડમાં કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આ વાનગીનું નામ પણ એટલું વિચિત્ર છે કે જે સાંભળીને લોકો પહેલાં તો આ શું હશે તેના વિચારમાં પડી જ જશે !! મુળ જામકંડોરણાની પરંતુ બે વર્ષથી રાજકોટ માટે ફેવરિટ' બની ગયેલી ગોગળીનો
ઉપાડ’ હવે દરરોજ વધી રહ્યો છે.
રાજકોટને ગોગળીનો પહેલો ટેસ્ટ દામજીભાઈ કથીરીયા અને નીતિનભાઈ પોકિયા દ્વારા કરાવવામાં આવ્યો હતો. દામજીભાઈ કથીરીયા કે જેઓ સુરતમાં હિરા ઘસવાનું કામ કરતા હતા અને તેમના ભાગીદાર કે જેઓ રાજકોટમાં ફોટોગ્રાફીનું કામકાજ કરી રહ્યા હતા…જો કે કોરોના આવતા આ બન્નેનો વ્યવસાય પડી ભાંગતાં તેમને રાજકોટમાં ગોગળીનું વેચાણ કરવાનો નિર્ણય લીધો હતો. આ બન્ને મીત્રો જામકંડોરણા અવર-જવર કરતા હોય તેમણે ત્યાં ગોગળી ચાખી હતી અને ત્યારબાદ આ વાનગી રાજકોટમાં વેચવાનો નિર્ણય લઈ મવડી ચોકડીએ રામાઈ ગોગળી'ના નામે વેચાણ શરૂ કર્યું હતું. પહેલાં પહેલાં તો લોકો આ વાનગીથી અજાણ રહ્યા પરંતુ જેમ જેમ ખવાતી ગઈ તેમ તેમ ફેમસ થતી ગઈની માફક ગોગળી અત્યારે પૂરપાટ ઝડપે વેચાઈ રહી છે અને તેનું વેચાણ રાજકોટમાં દરરોજ ૧૦૦ કિલો અને કદાચ તેના કરતા પણ વધુ થવા લાગ્યું છે. એક વાતની ગેરંટી છે કે જો કોઈ વ્યક્તિ એક વખત
ગોગળી’ ચાખી લ્યે તો તેનો બંધાણી ૧૦૦% બની જશે…!
કેવી રીતે તૈયાર થાય છે `ગોગળી’
દામજીભાઈ કથીરીયાએ જણાવ્યું કે લીલા ધાણા (કોથમીર), આદુ, લીલું લસણ અને લીલા મરચાનું કટિંગ કરીને ગ્રેવી તૈયાર કરવામાં આવે છે. આ ગ્રેવીને અલગ-અલગ બાઉલમાં તૈયાર કર્યા બાદ ચણાના લોટમાં હાથેથી તેને પાળવામાં (તળવામાં) આવે છે. ગોગળી તળાઈ ગયા બાદ તેના ઉપર લીંબુંનો રસ-હિંગનો પાઉડર છાંટવામાં આવે છે જેને ડુંગળીના ફાડા સાથે ખાઈ શકાય છે. ગોગળી સાથે લીલી ચટણી તેમજ ખજૂરની ચટણી અને છાશ લેવામાં આવે છે. એકંદરે આ તમામ વાનગીઓ મળી જાય એટલે પેટને ટેસડો જ પડી જાય તેમાં શંકાને કોઈ સ્થાન નથી.
`ગોગળી’ પણ સીંગ જેવી, જેટલી ખાવ એટલી ઓછી જ પડે
ગોગળી એ એક એવી વાનગી છે જે સીંગ જેવી હોય છે…! સીંગ એવી વસ્તુ છે જેને જેટલી ખાવામાં આવે તેટલી ઓછી જ પડે છે. સામાન્ય રીતે ત્રણથી ચાર મીત્રો સીંગનો વાટકો ભરીને બેઠા હોય એટલે થોડી જ વારમાં તે વાટકો ખાલી થઈ જાય છે તેવી જ રીતે ગોગળીનું પણ એવું જ છે જેને ગમે એટલી ખાઈએ પરંતુ પેટ ભરાતું જ નથી !
વાડીએ સાગમટે' થાય છે
ગોગળીનો પ્રોગ્રામ’
જેવી રીતે વાડી-ફાર્મ હાઉસ પર દેશી વાનગીઓ રીંગણાનો ઓળો, વઘારેલા રોટલા, ચાપડી-ઉંધીયું સહિતનો પ્રોગ્રામ થાય છે તેવો જ પ્રોગ્રામ ગોગળીનો કરવામાં આવી રહ્યો છે. જો કે એક પ્રોગ્રામમાં ૩૦ કિલો જેટલી ચણાના લોટની ગુણી પૂરી થઈ જતી હોવાનું પણ ધ્યાન પર આવ્યું છે ત્યારે આવા પ્રોગ્રામ ઠેકઠેકાણે થઈ રહ્યા છે.
૧૦૦ ગ્રામથી લઈ ૪૦૦ ગ્રામ સુધી ગોગળી એકલો વ્યક્તિ ઝાપટી જાય છે !
દામજીભાઈએ કહ્યું કે સામાન્ય રીતે ૧૦૦ ગ્રામ ગોગળી એક વ્યક્તિ ખાઈ જતી હોય છે પરંતુ ૧૦૦ ગ્રામ ખાધાં બાદ તેને સંતોષનો ઓડકાર આવી રહ્યો ન હોવાથી તે વધુ ૧૦૦ ગ્રામ લ્યે છે અને આમ કરતાં કરતાં ૧૦૦ ગ્રામ ખાવાથી શરૂ થયેલી ગોગળી ૪૦૦ ગ્રામે પહોંચી જાય છે ! અમુક વ્યક્તિ એવા પણ હોય છે જેઓ ૧૦૦ ગ્રામ ગોગળી ખાય એટલે ભેટ ભરાઈ જાય છે તો વળી અમુક લોકો ૪૦૦ ગ્રામ સુધી `બ્રેક’ મારતાં હોતાં નથી…!!