૧૪૬૭ કરોડનાં બોગસ બિલિંગ કૌભાંડમાં સોની બઝારના ત્રણ વેપારીઓને ત્યાં દરોડા
આસ્થા ટ્રેડીંગના સાથે બુલીયનનો વેપાર કરનાર ત્રણ વેપારીને ત્યાંથી આર્થિક વ્યવહારો દર્શાવતા દસ્તાવેજો જપ્ત
રાજકોટમાં સોના અને હિરાનાં મોટા ગજાનાં વેપારી ઉપર ડીજીજીઆઈની ટીમે દરોડા પાડી રૂા. ૧૪૬૭ કરોડનાં બોગસ બીલના કૌભાંડનો પર્દાફાશ કરતા સોની બજારમાં ખળભળાટ મચી ગયો હતો. બોગસ બિલીંગ કૌભાંડમાં આસ્થા ટ્રેડર્સના વેપારી હતાં. હિતેશ પ્રભુદાસભાઈ લોઢીયાની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે ૧૪ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
હિતેષ પ્રભુદાસ લોઢિયાની ધરપકડ બાદ તપાસનો રેલો સૌરાષ્ટ્ર અને કચ્છ સુધી પહોંચ્યો છે અને રાજકોટ સોની બઝારના અન્ય વેપારીઓને ત્યાં તપાસ શરૂ થઈ હતી જેમાં વધુ ત્રણ વેપારીઓને ત્યાં જીએસઅટીએ દરોડા પડયા હતા અને આર્થિક વ્યવહારો દર્શાવતા દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે
હિતેશ પ્રભુદાસભાઈ લોઢીયાસાથે કનેક્શન ધરાવતા સોની બજારમાં ગઢની રાંગ વિસ્તારમાં તેમજ ભૂપેન્દ્ર રોડ, પેલેસ રોડના ત્રણ વેપારીને ત્યાં જીએસટી અધિકારીઓતપાસ માટે પહોંચ્યા હતા. મોડી રાત સુધી તપાસ કાર્યવાહી ચાલુ રહી હતી અને તપાસ દરમ્યાન તંત્રને મોટી રકમમાં રોકડ પણ હાથ લાગી હતી. જો કે જીએસટી વિભાગના અધિકારીઓ હજુ સુધી આ બાબતે કોઈ સત્તાવાર વિગતો જાહેર કરી નથી. આસ્થા ટ્રેડીંગના સાથે બુલીયનનો વેપાર કરનાર સોની વેપારીઓમાં તહેવાર પૂર્વે સેન્ટ્રલ જીએસટીના દરોડાથી સોંપો પડી ગયો હતો. કારણ કે સંખ્યાબંધ બોગસ પેઢીઓ તથા તેની સાથેના વ્યવહારો ખુલ્યા હોવાનું સામે આવ્યું છે.