શારીરિક પડકારોને શક્તિમાં તબદીલ કરનાર ઇલા ગોહિલ રાજકોટના નવા ડેપ્યુટી ડીડીઓ
બંને પગે દિવ્યાંગ હોવા છતાં સુપેરે ફરજ નિભાવતા મોટા જિલ્લાની જવાબદારી સોંપાઈ:ડેપ્યુટી ડીડીઓ બ્રિજેશકાલરીયાને બઢતી સાથે વઢવાણ પ્રાંત અધિકારી તરીકે મુકાયા
ગાંધીનગરથી શનિવારે રાજ્યના પંચાયત વિભાગમાં બદલી અને બઢતીનો ઘાણવો નીકળ્યો હતો. લોકસભાની ચુંટણી પૂર્વે રાજ્ય સરકાર દ્વારા મોટાપાયે બદલીઓ કરવામાં આવી છે. જેમાં વર્ગ 1ના 69 અધિકારીઓની બદલી કરવામાં આવી છે જ્યારે મહેસૂલ વિભાગના GAS કેડરના અધિકારીઓની બદલી સાથે બઢતીના આદેશ કરવામાં આવ્યા છે. જ્યારે પંચાયત વિભાગમાં પણ 13 નાયબ જિલ્લા વિકાસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. ઉપરાંત 53 તાલુકા વિકાસ અધિકારીઓને નાયબ જિલ્લા વિકાસ અધિકારી તરીકેના પ્રમોશન આપવામાં આવ્યા છે.
પંચાયત વિભાગમાં બદલીઓ કરવામાં આવી છે ત્યારે રાજકોટ જિલ્લા પંચાયતમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા બ્રિજેશ કાલરીયાને સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણમાં પ્રાંત અધિકારી તરીકે મૂકવામાં આવ્યા છે. જ્યારે તેમની જગ્યાએ મોરબીના નાયબ જિલ્લા વિકાસ અધિકારી ઇલાબેન ગોહિલને મૂકવામાં આવ્યા છે.
અથાગ મહેનત કરીને સફતા પ્રાપ્ત કરનારા લોકો માટે ગુજરાતીમાં અનેક કહેવતો છે. જેમાં સિદ્ધિ એને જઈ વરે જે પરસેવે ન્હાય, અડગ મનના માનવીને હિમાલય જેવો પર્વત પણ નડતો નથી જેવી અનેક કહેવતો પ્રચલિત છે ત્યારે આવી જ કહેવતને સાર્થક કરીને હાલ મોરબી નાયબ વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા ઇલા ગોહિલને રાજકોટ જિલ્લાના નાયબ જિલ્લા વિકાસ અધિકારી તરીકેની જવાબદારી મળી છે. સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના સુદામડા ગામે સામાન્ય પરિવારમાં જન્મેલા ઇલાબેન ગોહિલ રાજકોટ જિલ્લાના નાયબ જિલ્લા વિકાસ અધિકારી તરીકે મુકાયા છે. ઇલા ગોહિલ વિકલાંગ હોવા છતાં શારીરિક પડકારોને શક્તિમાં તબદીલ કરીને પોતાની જવાબદારી સુપેરે નિભાવતા હોય રાજકોટ જેવા મોટા જિલ્લામાં તેમને નાયબ જિલ્લા વિકાસ અધિકારી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. માત્ર દોઢ વર્ષની ઉંમરમાં તાવ આવ્યા બાદ પોલિયોની અસર થઈ. હાલ તેઓ બંને પગે દિવ્યાંગ છે અને વ્હીલ ચેરની મદદ લેવી પડે છે.
સુદામડા ગામની પ્રાથમિક શાળામાં ધો.10 સુધીનો અભ્યાસ કર્યો છે. બાદમાં બેએસસીનો અભ્યાસ પૂર્ણ કર્યો. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી અને સાયલા તાલુકામાં તલાટીની પરીક્ષા 1997માં તલાટી બન્યા. સાથોસાથ ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનની તૈયારી પણ ચાલુ રાખી. વર્ષ 2009માં ઉતીર્ણ તથા ચીફ ઓફિસર તરીકે ગાંધીનગર બરવાળામાં ફરજ બજાવી. જ્યારે વર્ષ 2011થી 2015 સુધી ગ્રામ વિકાસ કમિશ્નર કચેરીમાં પણ ફરજ બજાવી ચૂક્યા છે. વર્ષ 2015માં તાલુકા વિકાસ અધિકારી તરીકે GPSC પાસ કરી તાલુકા વિકાસ અધિકારી પણ રહ્યા છે. જ્યારે GASમાં પ્રમોશન સાથે ગીર-સોમનાથ જિલ્લામાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી તરીકે નિમણૂક થઈ. બાદ મોરબી અને હવે રાજકોટ જિલ્લાના નાયબ જિલ્લા વિકાસ અધિકારી તરીકેની જવાબદારી મળી છે.
ટીડીઓ તરખાલાને બઢતી સાથે ડેપ્યુટી ડીડીઓ તરીકે મળી જવાબદારી
રાજકોટ તાલુકા વિકાસ અધિકારી નાગાજણ તરખાલાને બઢતી સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી તરીકે મૂકવામાં આવ્યા છે. ટીડીઓ તરખાલાએ રાજકોટ જિલ્લામાં સફળ કામગીરી કરી છે અને જિલ્લામાં સરકારી ગૌચર જમીન પર દબાણ સહિતના મુદ્દે આક્રમક રહ્યા છે અને દબાણો દૂર કર્યા છે. ત્યારે તેમની નોંધ લેવાઈ છે અને હવે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવશે.