જે.જે.સ્વીટસના રાજભોગ શીખંડમાં કલરની ભેળસેળ
ગાંધીગ્રામમાં વિશાલ ચાઈનીઝ-પંજાબીમાંથી વાસી મંચુરિયન-ગ્રેવી સહિતનો નાશ: સાત સ્થળેથી મોતીચૂર લાડુ-મોદકના નમૂના લેવાયા
મહાપાલિકાની ફૂડ શાખા દ્વારા મોરબી રોડ પર સીતારામ સોસાયટી પાસે આવેલી મહેશ શિવલાલ મોલિયાની માલિકીની જે.જે.સ્વીટસ એન્ડ ડેરી ફાર્મમાંથી લીધેલા રાજભોગ શીખંડના નમૂનામાં આરોગ્ય માટે અત્યંત જોખમી એવા સીન્થેટીક ફૂડ કલર ટાર્ટ્રાઝીન અને બ્રિલિયન્ટ એફસીએફની હાજરી મળી આવતાં નમૂનો નાપાસ ગણી વેપારી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત લાખના બંગલાવાળા રોડ પર મીલન કોમ્પલેક્સમાં આવેલા વિશાલ ચાઈનીઝ એન્ડ પંજાબીમાંથી ચાર કિલો વાસી મંચુરિયન, ચાર કિલો ગ્રેવી, બે કિલો સંભારો, બે કિલો બાંધેલો લોટ મળી ૧૨ કિલો અખાદ્ય પદાર્થનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. જ્યારે શહેરના ઝુલેલાલ મંદિર વિસ્તારમાં ખાણીપીણીની વસ્તુઓનું વેચાણ કરતાં ૨૦ ધંધાર્થીઓને ત્યાં તપાસ કરવામાં આવતાં પાંચ ધંધાર્થીઓ પાસે લાયસન્સ ન હોવાને કારણે તેને નોટિસ ફટકારાઈ હતી.
આવી જ રીતે સંતકબીર રોડ પર ગજાનંથ જોધપુર સ્વીટ એન્ડ ફરસાણમાંથી મોતીચુર લાડુ, કોઠારિયા રોડ પર સાક્ષી ગૃહ ઉદ્યોગમાંથી મોતીચૂર લાડુ, મવડી પ્લોટમાં શિવશક્તિ ગૃહ ઉદ્યોગમાંથી મોતીચુર લાડુ, જય બાલાજી ગૃહ ઉદ્યોગમાંથી મોતીચુર લાડુ, બજરંગવાડીમાં વસુંધરા સોસાયટીમાં આવેલા ભોગીરામ મીઠાઈવાલા તેમજ સુભાષનગર મેઈન રોડ પર ખેતેશ્વર સ્વીટમાંથી મોતીચૂરના લાડુ અને બજરંગવાડી ચોકમાં અમૃત ડેરી એન્ડ આઈસ્ક્રીમમાંથી મોદકના નમૂના લેવામાં આવ્યા હતા.