મનપાની રહેણાક-ગાર્ડન માટેની ૮૬ કરોડની જમીન પર ઓરડીઓ બંધાઈ
રેલનગરમાં મેગા ડિમોલિશન હાથ કરી ૧૫૯૬૦ ચો.મી. જમીન ખુલ્લી કરાવાઈ: ઓરડીઓ બંધાઈ’ને લોકો રહેવા લાગ્યા ત્યાં સુધી મનપા ઘેનમાં જ રહી !
મહાપાલિકા દ્વારા દરરોજ રાજકોટના અલગ-અલગ વિસ્તારોમાં ડિમોલિશન કરીને પોતાની માલિકીની જમીન ખુલ્લી કરાવવામાં આવી રહી છે. આવું જ એક ડિમોલિશન રેલનગરમાં હાથ ધરીને રહેણાક અને ગાર્ડન હેતુ માટેની ૮૬ કરોડ રૂપિયાની જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી. અહીં ઘણા લાંબા સમયથી લોકો ઓરડીઓ બાંધીને રહેતા હોવા છતાં તંત્ર ઘેનમાં રહ્યું હતું અને છેક હવે ડિમોલિશન કરાયું છે.
વૉર્ડ નં.૩માં રેલનગર વિસ્તારમાં કર્ણાવતી સ્કૂલ પાસે ટીપી સ્કીમ નં.૨૪ (રાજકોટ), ફાઈનલ પ્લોટ નં.૪/એ (રહેણાક વેચાણ હેતુ) તેમજ ફાઈનલ પ્લોટ નં.૧૪/એ (ગાર્ડન હેતુ)ના અનામત પ્લોટમાં અલગ-અલગ પાક્કી ઓરડીઓ બાંધી લેવામાં આવી હતી જેના ઉપર બૂલડોઝર ફેરવી દઈ ૮૬ કરોડની કિંમતની ૧૫૯૬૦ ચોરસમીટર જમીન ખુલ્લી કરાવવામાં આવી છે. ડિમોલિશન દરમિયાન ટીપી શાખા, જગ્યા રોકાણ શાખા, રોશની શાખા તેમજ વિજિલન્સ શાખાએ ચુસ્ત બંદોબસ્ત જાળવ્યો હોવાને કારણે કોઈ અનિચ્છનીય બનાવ બન્યો ન્હોતો અને ડિમોલિશન પ્રક્રિયા શાંતિપૂર્વક સંપન્ન થઈ હતી.