રાજકોટના ‘સ્વચ્છતાનાં સારથી’ ઓના હસ્તે ખુલ્લું મુકાયું ‘વોઇસ ઓફ ડે’ લાયન સર્કલ
લોકોને અખબાર થકી હંમેશા કંઈક નવું આપવા માટે જાણીતા ‘વોઈસ ઓફ ડે’એ હવે શહેરીજનોના સૌથી પ્રિય એવા રેસકોર્સ રિંગરોડને પણ એક નવી ઓળખ આપી છે. રેસકોર્સ રિંગરોડ ઉપર પોલીસ હેડ ક્વાર્ટર પાસેના ચોકને હવેથી વોઈસ ઓફ ડે ‘લાયન સર્કલ’ તરીકે નામકરણ કરાયા બાદ તેનું ઉદ્ઘાટન “સ્વચ્છતાના સારથી’ઓ એટલે કે શહેરને ચોખ્ખું-ચણાંક રાખવામાં જેમનો ‘સિંહ’ફાળો રહે છે તેવા 14 બહેનોના હસ્તે કરવામાં આવ્યું હતું જે અત્યાર સુધીની યાદગાર ક્ષણ ગણાશે. સર્કલ ખુલ્લું મુકાતાં જ તેમાં મુકાયેલી ગીરના સિંહની વિશાળ પ્રતિમા લોકોના આકર્ષણનું કેન્દ્ર બની છે.

લોકમેળાના પ્રારંભ પૂર્વે ‘વોઈસ ઓફ ડે’ના કૃણાલ મણિયાર અને મીરાબેન દોશી મણિયારની ઉપસ્થિતિમાં મહાપાલિકાના ત્રણેય ઝોનનાં કુલ 14 મહિલા સફાઈ કામદારોના હસ્તે આ લાયન સર્કલ ખુલ્લું મુકવામાં આવ્યું હતું. સફાઈ કામદારો ખરા અર્થમાં સ્વચ્છતાના સારથી છે અને આપણું આંગણા ઉપરાંત શેરી-ગલીઓ સ્વચ્છ રાખે છે. તેમના સન્માનમાં ‘વોઈસ ઓફ ડે’ દ્વારા આ ઈનીશીએટીવ લેવામાં આવ્યો હતો અને તેમના હસ્તે સામૂહિક રીતે આ સર્કલ ખુલ્લું મુકવામાં આવ્યું હતું.

આ સફાઈ કામદાર બહેનોને જે માન-સન્માન મળ્યું તે અનુભવીને તેઓ લાગણીશીલ બની ગયા હતા અને વોઈસ ઓફ ડે’નો આભાર માન્યો હતો. આ ચોકમાં સિંહની જે પ્રતિમા મુકવામાં આવી છે તે સિંહને આપણા દેશમાં શક્તિ, સાહસ અને ગૌરવનું પ્રતીક માનવામાં આવે છે તેથી આ સિંહની પ્રતિમા પણ આપણા રાજકોટનું ગૌરવ વધુ વધારે એવા હેતુથી ‘વોઈસ ઓફ ડે’ દ્વારા રાજકોટની શાન રેસકોર્સ રિંગરોડ પર સ્થાપિત કરવામાં આવી છે.



આ સર્કલના નામકરણ પ્રસંગે ‘વોઈસ ઓફ ડે’ના તંત્રી પરેશ દવે, એડવાઈઝર જગદીશભાઈ આચાર્ય, ન્યુઝ એડિટર શૈલેન્દ્રસિંહ રાણા, સીનિયર રિપોર્ટર હુસેન ભારમલ, રિપોર્ટર શ્યામ મારુ, ફોટોગ્રાફર રાજુભાઈ વાડોલિયા, રવિ ગોંડલિયા, બિઝનેસ હેડ કેયુર શાહ, ‘વોઈસ ઓફ ડે’ ડિઝિટલના ગૌરવ લશ્કરી, નિખિલ મક્કા, પાર્થ ભટ્ટી સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

સ્વચ્છતાના એ સારથી જેમના હસ્તે ખુલ્લું મુકાયું લાયન સર્કલ
- હંસાબેન પ્રદીપભાઈ મારૂ
- રંજનબેન ગોરી
- મીનાક્ષીબેન વાઘેલા
- અલ્પાબેન દામજીભાઈ વાઘેલા
- લીલાબેન મકવાણા
- સવિતાબેન કિશોરભાઈ વાઘેલા
- નાથીબેન તુલસીભાઈ ધરણીયા
- મંગુબેન ધનજીભાઈ રાઠોડ
- દેવુબેન જીવનભાઈ પરમાર
- મનુબેન ભરતભાઈ વાઘેલા
- ગીતાબેન કિશોરભાઈ વાઘેલા
- લીલાબેન મગનભાઈ લઢેર

સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાનો આભાર…
‘વોઈસ ઓફ ડે’ દ્વારા પોલીસ હેડ ક્વાર્ટર પાસેના સર્કલના ઉદ્ઘાટન પ્રસંગે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા ઉપરાંત પર્યાયરણ ઈજનેર પ્રજેશ સોલંકીનો પણ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
