રાજકોટ મહાપાલિકાનો ‘મિનિ સાગઠિયા’: ઇજનેર અજય વેગડ પાસેથી 75.21 લાખની બેનામી સંપત્તિ મળી
- સાગઠિયા સાથે મળીને ટાઉન પ્લાનિંગ શાખામાં બેફામ નાણાં કટકટાવ્યા બાદ થોડા સમય પહેલાં જ વેગડની બાંધકામ શાખામાં બદલી કરાઈ’તી
- પોતાના તેમજ પરિવારના સભ્યોના અલગ-અલગ બેન્ક ખાતામાં 65.97 લાખ જમા કરાવ્યા’તાઃ એસીબીએ તમામ મિલકત જપ્ત કરી ગુનો નોંધ્યો
ટીઆરપી ગેઈમ ઝોન અગ્નિકાંડમાં સંડોવાયેલા તત્કાલિન ટાઉન પ્લાનિંગ ઓફિસર એમ.ડી. સાગઠિયા અત્યારે જેલની હવા ખાઈ રહ્યો છે ત્યારે તેના જેવા જ વધુ એક ‘કારીગર’ની એસીબીએ 75.21 લાખની બેનામી સંપત્તિ શોધી કાઢી ગુનો નોંધતાં મહાપાલિકામાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.
તત્કાલિન આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર (ટીપી શાખા) અને હાલ નાયબ કાર્યપાલક ઈજનેર (સિવિલ શાખા) વર્ગ-૨, બાંધકામ શાખામાં કાર્યપાલક ઈજનેર અજય વેગડે બેનામી સંપત્તિ વસાવી હોવાની અરજી એન્ટી કરપ્શન બ્યુરોને મળી હતી. આ પછી ડીવાયએસપી કે.એચ.ગોહિલના માર્ગદર્શન હેઠળ પીઆઈ પી.એ.દેકાવાડિયા સહિતની ટીમે તા.1-04-2014 થી તા.3-6-2024 સુધીના સમયગાળા દરમિયાન અજય વેગડની નાણાકીય કુંડળી ફંફોસતાં તેમાં તેણે ભ્રષ્ટાચાર આચરીને 75,21093 રૂપિયા એટલે કે આવક કરતા 38.96% વધુ મિલકત વસાવી હોવાનો ખુલાસો થતાં તેની સામે ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી હતી.
તપાસ દરમિયાન એવી પણ વિગત સામે આવી હતી કે અજયે તા.1-04-2014થી તા.3-6-2024 સુધીના સમયગાળા દરમિયાન પોતાના તેમજ પરિવારજનોના અલગ-અલગ બેન્ક એકાઉન્ટમાં ૬૫,૯૭,૦૦૦ની રોકડ જમા કરાવી હતી જે પણ જપ્ત કરવામાં આવી છે..
અત્રે ઉલ્લેખનીય છે કે અજય વેગડે તત્કાલિન ટીપીઓ એમ.ડી.સાગઠિયા સાથે નોકરી કરી હોય કળા કરવામાં માહેર બની ગયો હોવાનું તેમજ બેફામ ભ્રષ્ટાચાર આચર્યો હોવાની વાત મહાપાલિકાના વર્તુળોમાં ચાલી રહી હતી.
