તંત્ર ધૃતરાષ્ટ્ર ! રાજકોટ જિલ્લામાં ગૌચરની 500 વિધા જમીન ઉપર દબાણ,સૌથી વધુ ધોરાજી-લોધીકામાં ગૌચર ભૂમિ ઉપર દબાણ
ભારત દેશમાં રાજા રજવાડા સમયથી ગૌમાતા માટે ગૌચરની ભૂમિ અનામત રાખવામાં આવી છે જેમાં દેશ પર અંગ્રેજ હકુમત સમયે ગોરાઓ પણ ગૌચરની જમીન પર નજર નાખતા ન હતા પરંતુ હાલમાં હિન્દુરાષ્ટ્રની વાતો કરતી ભાજપ સરકારના રાજમાં ગૌચર ઉદ્યોગોને ભેટ આપવામાં આવી રહી છે સાથે જ ગામડે ગામડે સરકારી ખરાબા અને ગૌચરની જમીન પર દબાણ ખડકાઈ ગયા છે ત્યારે રાજકોટ જિલ્લામાં ગૌચરની 500 વિઘાથી વધુ જમીન પર માથાભારે લાગવગિયા આખલાઓએ દબાણ કરી લીધા હોવાના સતાવાર આંકડા સામે આવ્યા છે. ગૌચરની જમીન સલામત રાખવાની જેમની જવાબદારી છે તેવા રાજકોટ જિલ્લા પંચાયતના સત્તાવાર આંકડા મુજબ જિલ્લાના 593 ગામોમાં 500 વીઘા જમીન પર 501 લોકોએ કબ્જો જમાવ્યો છે. જો કે, આ લોકો વિરુદ્ધ પગલાં ભરવામાં તંત્ર ઉણુ ઉતર્યું છે.

રાજકોટ જિલ્લા પંચાયતના સત્તાવાર આંકડા મુજબ રાજકોટ જિલ્લાના 11 તાલુકામાં આવેલ કુલ 593 ગામોમાં કુલ 54411.15 હેકટર ગૌચરની જમીન આવેલી છે. જેમાં છેલ્લા આંકડા મુજબ રાજકોટ જિલ્લાના ગોંડલ અને જામકંડોરણા તાલુકાને બાદ કરતા તમામ તાલુકાઓમાં ગૌચરની જમીન ઉપર દબાણ કરી લેવામાં આવ્યા છે. દબાણની સંખ્યાની દ્રષ્ટિએ રાજકોટના લોધીકા તાલુકામાં 385 માથાભારે તત્વોએ ગૌચરની જમીન પર કબ્જો કરી લઈ કુલ 25.09 હેકટર એટલે કે, સવાસો વિઘાથી વધુ જમીન ગૌવંશના હિસ્સાની હડપ કરી લીધી છે. એ જ રીતે ધોરાજી તાલુકામાં વિસ્તારની દ્રષ્ટિએ 140 વિઘાથી વધુ જમીન પર 47 દબાણકારોએ ગૌચરની ભૂમિ દબાવી લઈ ખેતી વિષયક ઉપયોગ કરી રહ્યા છે.
સરકારના નિયમ મુજબ ગૌચરની ભૂમિ પર થતા દબાણો અટકાવવા તેમજ આવા દબાણ હટાવવાની જવાબદારી જિલ્લા-તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયતની છે. જો કે, રાજકોટ જિલ્લામાં ગત ઓક્ટોબર માસના તાજા આંકડા મુજબ જિલ્લામાં એકપણ તાલુકામાં ગૌચરની જમીન પરના દબાણ હટાવવા કાર્યવાહી કરવામાં આવી ન હોવાથી આજની તારીખે જિલ્લાની 500 વિઘાથી વધુ ગૌચરની જમીન પર 501 જેટલા દબાણકારોના દબાણ યથાવત ઉભા છે. નોંધનીય છે કે, સમગ્ર જિલ્લાના 593 ગામો પૈકી માત્ર 21 ગામોમાં જ ગૌચરની જમીન પર દબાણ હોવાનું તંત્ર જણાવી રહ્યું છે જે પણ નર્યું જુઠ્ઠાણું હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
