રાજકોટ એરપોર્ટ પર પાર્કિંગની પારાયણ: પરાણે રૂ.50 થી 80 નો ‘ચાંદલો’કરાવે છે, વિડીયો થયો વાયરલ
રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર દરરોજ પાર્કિંગ મુદ્દે બબાલ થતાં હોવાના વીડિયો વાયરલ થવાની સાથે પેસેન્જરોમાંથી વ્યાપક ફરિયાદો ઉભી થઇ છે.પેસેન્જરોને મુકવા આવતાં સગાવહાલાં અને ટેક્સી ચાલકોને પરાણે પાર્કિંગ માટે “રૂ.80″નો ચાંદલો કરવો પડે છે. આ પ્રશ્ન દરરોજનો બની ગયો હોય તેમ કોન્ટ્રાક્ટરના સ્ટાફ અને કાર ચાલકો વચ્ચે “માથાકૂટ”નાં દ્રશ્યો જોવા મળે છે,જેને લઈ આ ઇન્ટરનેશનલ એરપોર્ટ તો લાગે જ નહીં તેવી છબી ખરડાઈ રહી છે.
તાજેતરમાં એક વીડિયો વાયરલ થયો હતો જેમાં પેસેન્જરની કાર ઇન થતાંની સાથે જ પાર્કિંગનાં કોન્ટ્રાક્ટરનો સ્ટાફ મનઘડત રીતે 80 રૂ.નું ઉઘરાણું કરતાં નજરે પડે છે.જેની પોલ પેસેન્જરએ ખોલી તો તેની સાથે ઝગડવા લાગ્યો અને આખરે હજુ તો કારએ એન્ટ્રી લીધી એ પહેલાં જ 60 મિનિટનાં ઉઘરાણું કરેલ ભાડું પરત આપવાની વાત કરવા લાગ્યો હતો.
રાજકોટ એરપોર્ટ પર 10 મિનિટ પિકઅપ અને ડ્રોપ ફ્રી હોય છે,અમદાવાદ એરપોર્ટની જેમ અહીં ડિજિટલ સ્કેનરની સુવિધા હજુ નથી શરૂ થઈ આથી રાજકોટ હીરાસર એરપોર્ટ પર પાર્કિંગનો કોન્ટ્રાકટ ભોપાલની એક કંપનીને આપવામાં આવ્યો છે.જો કે માહિતગાર સુત્રોનાં જણાવ્યા મુજબ આ કોન્ટ્રાકટ એજન્સી પણ પેટાકંપનીની “શોધ”માં હોવાની ચર્ચા છે.

પાર્કિંગ સમયે કેટલો શુલ્ક વસૂલાય છે ? તેના કોઈ નિયમોનું બોર્ડ નથી મુકવામાં આવ્યું,જેનાં કારણે માણસો મનફાવે એમ ઉઘરાણા થતી હોવાની ઢગલાબંધ ફરિયાદો આવે છે,ટેક્સીચાલકોનાં જણાવ્યાં મુજબ 10 મિનિટ ફ્રી છે, પ્રાઇવેટ કાર માટે 30 મિનિટના 30 રૂ અને ટેક્સીનાં 30 મિનિટના 40 રૂ વસુલ છે.ટેક્સી એસો.દ્વારા ભાવપત્રક અનેકવખત માંગવામાં આવ્યું હોવાં છતાં તેનો ઉલાળીયો કરે છે આથી અમુક એસો.નાં હોદ્દેદારોએ આ બાબતે ઉચ્ચ ઓથીરિટીમાં લેખિત ફરિયાદ કરી છે.
અનેક વખત ફરિયાદ છતાંય ઓથોરિટીનું મૌન….!!!
આ બાબતે ફરિયાદ કરનારા એક ટેક્સી ચાલકે જણાવ્યું, “અમે દરરોજ અહીં આવીએ છીએ, પણ દર વખતે કોન્ટ્રાક્ટરના માણસો સાથે ઝઘડો થાય છે. એન્ટ્રી થતાની સાથે રસીદ બનાવી દે છે અને નાણાં લેવાનું શરૂ કરે છે. આ લૂંટ બંધ થવી જોઈએ.” ઘણા મુસાફરોનો આક્ષેપ છે કે, આવી રીતે ઉઘરાણું કરવાની પ્રક્રિયા તંત્રની મૌન સંમતિથી ચાલે છે શું..?કારણ કે અવારનવાર રજૂઆતો કરવા છતાં કોઈ પગલું લેવાતું નથી.
આ પણ વાંચો : રાજકોટના બેડીપરામાં નવું ફાયર સ્ટેશન, રેલનગરમાં શાક માર્કેટ બનાવવામાં કોઈને રસ નથી !
“IN”ટોકન સાથે જ “EXIT”ની ચાર્જ સ્લીપ પકડાવી દેવાય છે
દરરોજ એરપોર્ટ પર આવતા મુસાફરો અને ટેક્સી ચાલકો પાર્કિંગના નિયમોને લઈને થતી માથાકૂટનો ભોગ બની રહ્યા છે. પેસેન્જરોની ફરિયાદ છે કે, એરપોર્ટ પર ગાડીની એન્ટ્રી થતાની સાથે જ કોન્ટ્રાક્ટરના માણસો ઇન અને એક્ઝિટની રસીદ તૈયાર કરી દે છે અને 10 મિનિટનો ફ્રી સમય હોવા છતાં 50 થી 80 રૂપિયા સુધીનું ઉઘરાણું કરે છે.જ્યારે સામાન્ય રીતે કાર આવે ત્યારે ઇનનું ટોકન અપાઈ છે જેમાં એન્ટ્રી સમયની નોંધ હોય છે બહાર નીકળતી વખતે 10 મિનિટ કરતાં વધુ સમય થાય એના આધારે ચાર્જ લેવાનો હોય છે.અહીં તો ઉલટી ગંગા વહે છે.
