મોરબીમાં ગરીબ બાળકનો હાથ ફરી કામ કરતો થયો : આયુષ હોસ્પિટલના તબીબની કમાલ
અકસ્માતમાં ફ્રેક્ચર થયા બાદ હાથ કામ કરતો બંધ થઇ ગયો, આયુષ્યમાનકાર્ડ આશીર્વાદરૂપ સાબિત થઇ
મોરબી : મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારના બાળકને ત્રણ વર્ષ પૂર્વે નડેલા અકસ્માત બાદ હાથ કામ કરતો બંધ થઇ જતા મેડિકલ જગતમાં વ્રિસ્ટ ડ્રોપ નામની જટિલ સમસ્યા તરીકે ઓળખાતી આ સમસ્યાનું મોરબીની આયુષ હોસ્પિટલના તબીબે સફળ સર્જરી કરતા બાળકનો હાથ પુનઃ કામ કરતો થઇ ગયો હતો.

મોરબીના ગ્રામ્ય વિસ્તારમાં ખેત મજુરી કરી ગુજરાન ચલાવતા કેશુબેનના પૌત્ર નિમેષે માતા-પિતા ની છત્રછાયા ગુમાવી દીધી છે. હાલમાં નિમેષની ઉંમર નવ વર્ષ છે. બાળક પોતાના વૃદ્ધ દાદી સાથે રહે છે જેમાં 3 વર્ષ પહેલાં અકસ્માતમાં નિમેષને હાથમાં ફ્રેક્ચર થતા હાથની એક નસનું પેરાલિસિસ થઇ જવાથી હાથ કાંડાના ભાગથી કામ કરવાનો બંધ થઈ ગયો હતો. બાદમાં વધુ સારવાર માટે આયુષ હોસ્પિટલ મોરબી આવેલ જ્યાં આયુષ હોસ્પિટલના પ્લાસ્ટિક સર્જન ડો.આશિષ હડિયલના નિદાનમાં નિમેશને ‘વ્રીસ્ટ ડ્રોપ’ (wrist drop) થયેલો હતો.તેનું કારણ ‘રેડિયલ નર્વ’ (radial nerve) નામની મુખ્ય હાથની ચેતાની નસનું પેરાલિસિસ હતું. લાંબો સમય થયેલ હોવાથી નસની રિકવરીના કોઈ ચાન્સ ન હતા.
આ હાલતમાં ‘ટેન્ડન ટ્રાન્સફર’ (tendon transfer) નામનું એક જટીલ ઓપરેશન કરવું પડે છે.સામાન્ય રીતે આ ઓપરેશન માટે રાજકોટ કે અમદાવાદ જવું પડતું હોય છે પરંતુ આયુષ હોસ્પિટલમાં પ્લાસ્ટિક સર્જન હોવાથી અહી જ એ ઓપરેશન ડો.આશિષ હડીયલ દ્વારા કરવામાં આવેલ હતું. હાલમાં બાળકનો હાથ સંપૂર્ણ કામ કરતો થઇ ગયો છે. જો કે, નિમેષ આર્થીક કે સામાજિક રીતે સક્ષમ ન હોવોથી હાથ સાજો સારો થવાની આશા છોડી દીધી હતી. પરંતુ સરકારની આયુષ્માન યોજનાને કારણે નિમેષનું ઓપરેશન શક્ય બન્યુ હતુ. સ્વસ્થ બનેલા નિમેષે સરકાર, હોસ્પિટલ અને ડોક્ટરનો આભાર માન્યો છે.