SRHને ૩૦૦ના ચક્કરમાં ૨૦૦ રનના પણ ફાંફા: કોચે કહ્યું, અમે આમ જ રમશું !
પહેલી મેચમાં ૨૮૬ રન બનાવ્યા બાદ બીજી મેચમાં ૧૯૦ અને ત્રીજીમાં ૧૬૩ રને ઢેર થઈ જતાં રણનીતિ ઉપર સવાલ
આઈપીએલ-૧૮ની પહેલી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદે પોતાના હોમ ગ્રાઉન્ડ પર રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ ૨૮૬ રનનો પહાડ જેવડો સ્કોર બનાવ્યો હતો. પાછલી સીઝનમાં પણ હૈદરાબાદ ૨૮૭ રન બનાવી ચૂક્યો છે. આવામાં એવા દાવા થઈ રહ્યા હતા કે આ ટીમ ૩૦૦ રનને પાર પણ પહોંચી શકે છે પરંતુ આઈપીએલ-૧૮ની પાછલી બે મેચમાં ટીમ ૩૦૦ના ચક્કરમાં ૨૦૦ રન સુધી પણ પહોંચી શકી નથી. હવે આ અંગે ટીમના કોચ ડેનિયલ વિટ્ટોરીએ કહ્યું કે અમે તો આવી રીતે જ રમવાના છીએ..!
લખનૌ વિરુદ્ધ ૯ વિકેટ ગુમાવીને ૧૯૦ અને દિલ્હી વિરુદ્ધ ૧૬૩ રને ટીમ ઢેર થઈ ગઈ હતી. આ બન્ને મેચમાં તેનો પરાજય થયો હતો.ત્યાં સુધી કે બોલિંગ પણ ત્રણેય મેચમાં ટીમની સારી ન્હોતી.
ડેનિયલ વિટોરીએ કહ્યું કે આક્રમક વલણ ઓછું કરવા અંગે કોઈ વાતચીત થઈ નથી. અમે નિશ્ચિત રીતે આક્રમક બ્રાન્ડનું ક્રિકેટ રમવા માંગીએ છીએ. જો તમે અમારા ટોચના ત્રણ ખેલાડીને જુઓ તો તેઓ આ રીતે જ રમે છે. સામાન્ય રીતે અમે બધા માટે શૈલી નિર્ધારિત કરીએ છીએ. અભિષેક શર્મા, ઈશાન કિશન અને ટે્રવિસ હેડ આ રીતે જ રમશે.