IPLમાં ટીમ જ નહીં ગ્રાઉન્ડ સ્ટાફ પણ થયો માલામાલ
૧૦ ગ્રાઉન્ડને ૨૫-૨૫ અને ત્રણ ગ્રાઉન્ડને ૧૦ લાખનું ઈનામ
આઈપીએલ-૧૭નું આયોજન અત્યંત સફળ રહ્યું છે. ફાઈનલમાં કોલકત્તાએ હૈદરાબાદ વિરુદ્ધ એકતરફી જીત હાંસલ કરી હતી. બીજી બાજુ બીસીસીઆઈ સચિવ જય શાહે ટૂર્નામેન્ટ દરમિયાન શ્રેષ્ઠ પીચ તૈયાર કરવા અને મેદાનની સાર-સંભાળ રાખનારા સ્ટાફને અનામી હિરો ગણાવ્યા છે. તેમણે જાહેરાત કરી કે ૧૦ ગ્રાઉન્ડના મેદાનકર્મીઓ અને ક્યુરેટરોને ઈનામ આપવામાં આવશે.
શ્રેષ્ઠ પીચ બનાવવા બદલ તમામને ૨૫-૨૫ લાખ રૂપિયા અપાશે. જય શાહે લખ્યું કે અમારી સરાહનાના પ્રતીક તરીકે ૧૦ નિયમિત આઈપીએલ સ્થળ પર મેદાનકર્મીઓ અને ક્યુરેટરને ૨૫ લાખ રૂપિયા મળશે અને ત્રણ વધારાના ગ્રાઉન્ડને ૧૦ લાખ અપાશે. તમામના સમર્પણ અને અથાગ મહેનત બદલ આભાર.
૧૦ નિયમિત ગ્રાઉન્ડમાં મુંબઈ, દિલ્હી, ચેન્નાઈ, કોલકત્તા, ચંદીગઢ, હૈદરાબાદ, બેંગ્લુરુ, લખનૌ અમદાવાદ અને જયપુર છે. જ્યારે ગૌહાટી, વિશાખાપટ્ટનમ અને ધર્મશાલા વધારાના ગ્રાઉન્ડ હતા.