ધર્મશાલામાં ટીમ ઈન્ડિયાના `સ્ટાઈલીશ’ બેટરનું ડેબ્યુ પાક્કું
ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે ૭ માર્ચથી ધર્મશાલાના ગ્રાઉન્ડમાં શ્રેણીની છેલ્લી અને પાંચમી ટેસ્ટ રમાવાની છે. જો કે આ મેચ બન્ને ટીમ માટે ઔપચરિક બની રહેવાની છે કેમ કે ભારતે આ શ્રેણી પોતાના નામે કરી લીધી છે. જો કે અમુક ખેલાડીઓને આ મેચ થકી ડેબ્યુ કરવાની તક મળી શકે છે. આવો જ એક ખેલાડી દેવદત્ત પડ્ડીકલ છે જે ડેબ્યુ કરવાની તૈયારીમાં છે. પડ્ડીકલ અત્યારે ગજબના ફોર્મમાં છે. તેણે ચાર મેચમાં ૩ સદી અને એક ફિફટી બનાવી છે. તેના આ જ પ્રદર્શનને ધ્યાનમાં રાખી ટીમ ઈન્ડિયામાં જગ્યા મળી છે પરંતુ હજુ સુધી તે ડેબ્યુ કરી શક્યો નથી. રજત પાટીદાર શ્રેણીમાં સદંતર નિષ્ફળ નિવડ્યો છે જેના કારણે તેને પડતો મુકાવાનું નિશ્ચિત છે અને તેના સ્થાને પડ્ડીકલને સમાવી શકાય તેવી શક્યતા નકારી શકાતી નથી. પડ્ડીકલ ડાબા હાથનો સ્ટાઈલિશ બેટર છે. તેણે ભારત વતી બે ટી-૨૦ આંતરરાષ્ટ્રીય મેચ પણ રમી છે.