૧૯ સપ્ટેમ્બરથી ૧૨ ફેબ્રુઆરી સુધી ટીમ ઈન્ડિયા `વ્યસ્ત
૧૦ ટેસ્ટ, ૧૨ ટી-૨૦ અને ૩ વન-ડે મેચ રમવા ઉતરશે
૧૯ સપ્ટેમ્બરથી બાંગ્લાદેશ સામે ટેસ્ટ શ્રેણી શરૂ: ૨૮ જાન્યુઆરીએ રાજકોટમાં ઈંગ્લેન્ડ સામે ટી-૨૦ રમશે
ભારતીય ટીમ ૪૨ દિવસના બ્રેક બાદ મેદાન પર પરત ફરવા માટે સજ્જ થઈ ગઈ છે. ૭ ઑગસ્ટે શ્રીલંકા વિરુદ્ધ વન-ડે શ્રેણીની અંતિમ મેચ બાદ હવે તે ૧૯ સપ્ટેમ્બરથી બાંગ્લાદેશ વિરુદ્ધ બે મેચની ટેસ્ટ શ્રેણીના પ્રથમ મુકાબલા માટે ઉતરશે. ટીમ ઈન્ડિયાનો સપ્ટેમ્બરથી ફેબ્રુઆરી વચ્ચેનો કાર્યક્રમ અત્યંત વ્યસ્ત રહેવાનો છે. આ દરમિયાન તે ૧૦ ટેસ્ટ, ૧૨ ટી-૨૦ અને ૩ વન-ડે મેચ રમશે.
ભારતીય ટીમ બાંગ્લાદેશ વિરુદ્ધ ટેસ્ટ બાદ ત્રણ મેચની ટી-૨૦ શ્રેણી રમશે. આ પછી ન્યુઝીલેન્ડ સામે ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીરમાશે અને ત્યારબાદ ચાર મેચની ટી-૨૦ શ્રેણી માટે ટીમ આફ્રિકા પ્રવાસે જશે. ત્યારબાદ ઑસ્ટે્રલિયા પ્રવાસે પાંચ મેચની બોર્ડર-ગાવસ્કર ટ્રોફી રમશે. પરત ફર્યા બાદ ચેમ્પિયન્સ ટ્રોફી પહેલાં ઘરઆંગણે ઈંગ્લેન્ડ વિરુદ્ધ પાંચ મેચની ટી-૨૦ શ્રેણી રમશે જે પૈકી ૨૮ જાન્યુઆરી-૨૦૨૫માં રાજકોટમાં ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે ટી-૨૦ મેચ રમાશે. ઈંગ્લેન્ડ સામે ટી-૨૦ ઉપરાંત ત્રણ મેચની વન-ડે શ્રેણી પણ રમાશે.
ત્યારબાદ પાકિસ્તાનમાં ચેમ્પિયન્સ ટ્રોફી શરૂ થશે. જો કે તેમાં ભારત ભાગ લેવા પાકિસ્તાન જશે કે પછી બીજો કોઈ રસ્તો નીકળશે તે અંગે હજુ સુધી સ્પષ્ટતા કરાઈ નથી.