૧૧ જૂને રમાશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો ફાઈનલ
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ-૨૦૨૫નો ફાઈનલ મુકાબલો લંડનના ઐતિહાસિક લોર્ડસ ક્રિકેટ સ્ટેડિયમ પર રમાશે. આઈસીસીએ ફાઈનલ મુકાબલાની તારીખ જાહેર કરી છે જે પ્રમાણે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ-૨૦૨૫નો ફાઈનલ મુકાબલો ૧૧ જૂન-૨૦૨૫એ રમાશે. ૧૬ જૂને રિઝર્વ-ડે રહેશે અને જરૂર પડે તો જ તેનો ઉપયોગ કરાશે. આવું પહેલી વખત બનશે જ્યારે લોર્ડસમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો ફાઈનલ મુકાબલો રમાશે. અગાઉ ૨૦૨૧નો ફાઈનલ સાઉથેમ્પ્ટનના ધ રોજ બાઉલ અને ૨૦૨૩નો ફાઈનલ લંડનના ધ ઓવલમાં રમાયો હતો જેને ક્રમશ: ન્યુઝીલેન્ડ અને ઑસ્ટે્રલિયાએ જીત્યો હતો. ભારતને આ બન્ને મુકાબલામાં હારનો સ્વાદ ચાખવો પડ્યો હતો. અત્યારે ફાઈનલમાં પહોંચવાની રેસમાં ભારત, ઑસ્ટે્રલિયા પ્રબળ દાવેદાર છે.