વિન્ડિઝ સામે ૩૬ કલાકમાં જ બદલો લેતું ઈંગ્લેન્ડ
બીજી વન-ડેમાં ૬ વિકેટે જીત મેળવી ત્રણ મેચની શ્રેણી ૧-૧થી કરી સરભર
વૉઈસ ઑફ ડે, નવીદિલ્હી
વિલ જેક્સના ૭૩ રન અને સૈમ કરનની ત્રણ વિકેટના દમ પર ઈંગ્લેન્ડે વેસ્ટ ઈન્ડિઝને બીજી વન-ડેમાં છ વિકેટે હરાવીને ત્રણ મેચની શ્રેણી ૧-૧થી સરભર કરી લીધી છે. ઈંગ્લેન્ડે વિન્ડિઝને પહેલા બેટિંગ કરવા મોકલી હતી અને યજમાન ટીમ ૪૦ ઓવરમાં ૨૦૨ રન બનાવી આઉટ થઈ ગઈ હતી. બીજી બાજુ જેક્સની બીજી ફિફટી અને બટલરની તોફાની ફિફટીની મદદથી ઈંગ્લેન્ડે ૩૩ ઓવરમાં ચાર વિકેટે ૨૦૬ રન બનાવી લીધા હતા. વિન્ડિઝ માટે પહેલી મેચમાં અણનમ સદી બનાવનારા શાઈ હોપે ૬૮ રનની ઈનિંગ રમી હતી. એક સમયે સાત ઓવર બાદ વિન્ડિઝનો સ્કોર ચાર વિકેટે ૨૩ રન હતો પરંતુ હોપે રધરફોર્ડ (૬૩ રન) સાથે ૧૨૯ રનની ભાગીદારી કરી ઈનિંગને સંભાળી હતી. તેણે ૪૪ બોલમાં પોતાની ફિફટી પૂરી કરી અને ૬૮ બોલમાં ૬૮ રન બનાવ્યા હતા. જ્યારે રધરફોર્ડે ૭૧ બોલમાં પોતાની ફિફટી પૂરી કરી હતી.