પેરાલિમ્પિકમાં રેકોર્ડ ૭૦.૫૯ મીટર દૂર ભાલો ફેંકી સુમિતે જીત્યો ગોલ્ડ
ટોક્યો બાદ પેરિસમાં પણ સુવર્ણ મેડલ જાળવી રાખ્યો: બેડમિન્ટનમાં નિત્યા શ્રી સિવનને બ્રોન્ઝ
પેરિસ પેરાલિમ્પિક-૨૦૨૪માં ભારતીય ખેલાડીઓ ધમાકેદાર પ્રદર્શન કરી રહ્યા છે. હવે સુમિત અંતિલે પુરુષ ભાલાફેંક (એફ-૬૪ વર્ગ) રમતમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. સુમિતે પોતાના બીજા પ્રયાસમાં ૭૦.૫૯ મીટર દૂર ભાલો ફેંકી ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો. સુમિત અંતિલનો આ થ્રો પેરાલિમ્પિક ગેમ્સના ઈતિહાસ (એફ૬૪ વર્ગ)નો શ્રેષ્ઠ થ્રો રહ્યો હતો. આ ઉપરાંત બેડમિન્ટન ખેલાહી નિત્યા શ્રી સિવને વિમેન્સ સિંગલ્સ એસએચ-૬માં બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો હતો. નિત્યાએ બ્રોન્ઝ મેડલ મેચમાં ઈન્ડોનેશિયાની રીના માર્લિનાને ૨૧-૧૪, ૨૧-૬થી હરાવી હતી.
આ બન્ને મેડલ સાથે મંગળવારે બપોર સુધીમાં ભારતના મેડલની સંખ્યા ૧૫ થઈ જવા પામી છે. ભારતે અત્યાર સુધીમાં ત્રણ ગોલ્ડ, પાંચ સિલ્વર અને સાત બ્રોન્ઝ મેડલ જીત્યા છે. ઉલ્લેખ કરવો જરૂરી છે કે સુમિતે ટોક્યો પેરાલિમ્પિકમાં પણ ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ સાથે જ તે પહેલો ભારતીય ભાલા ફેંક ખેલાડી બની ગયો છે જેણે પેરાલિમ્પિકમાં પોતાનો ગોલ્ડ મેડલ બચાવ્યો છે.
આ રમતમાં શ્રીલંકાના ડુલાન કોડિથુવાક્કૂ (૬૭.૦૩ મીટર)એ સિલ્વર અને ઑસ્ટે્રલિયાના મીચાલ બુરિયન (૬૪.૮૯ મીટર)એ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. એફ-૬૪ સ્પર્ધામાં એથ્લીટ કૃત્રિમ પગ પર ઉભા રહીને ભાગ લ્યે છે.
ફાઈનલમાં સુમિતનું પ્રદર્શન
પહેલો થ્રો ૬૯.૧૧ મીટર
બીજો થ્રો ૭૦.૫૯ મીટર
ત્રીજો થ્રો ૬૬.૬૬ મીટર
ચોથો થ્રો ફાઉલ
પાંચમો થ્રો ૬૯.૦૪ મીટર
છઠ્ઠો થ્રાો ૬૬.૫૭ મીટર