ટે.ટે.માં મનિકા, બેડમિન્ટનમાં ચિરાગ-સાત્વિકની કમાલ
મનિકા ટેબલ ટેનિસમાં પ્રિ-ક્વાર્ટર ફાઈનલમાં પહોંચનારી પહેલી ભારતીય ખેલાડી
બેડમિન્ટનમાં ચિરાગ-સાત્વિકની જોડી ક્વાર્ટરમાં ઈન્ડોનેશિયા સામે ટકરાશે
હૉકીમાં આર્જેન્ટીના સામે મુકાબલો ડ્રો: નૌકાયાનમાં ભારતને નિરાશા
ભારતની અનુભવી ખેલાડી મનિકા બત્રાએ ઓલિમ્પિક ટેબલ ટેનિસ ટૂર્નામેન્ટની અંતિમ-૩૨ મેચમાં ફ્રાન્સની ૧૨મા ક્રમાંકની પ્રીથિકા પવાડેને પરાજય આપ્યો હતો. ૩૭ મિનિટ સુધી ચાલેલા આ મુકાબલમાં મનિકાએ ૧૧-૯, ૧૧-૬, ૧૧-૯, ૧૧-૭થી જીત મેળવી હતી. તે ટેબલ ટેનિસના અંતિમ-૧૬માં પહોંચનારી પ્રથમ ભારતીય ખેલાડી બની છે.
આ જ રીતે બેડમિન્ટનમાં ભારતના ચિરાગ શેટ્ટી અને સાત્વિકસાઈરાજ રેડ્ડીની ટીમે ઈતિહાસ રચી દીધો હતો. ચિરાગ-સાત્વિકની આ ટીમ પોતાની અંતિમ મેચ રમ્યા વગર જ ઓલિમ્પિક મેન્સ ડબલ્સ સ્પર્ધાના ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી ગઈ છે. આ જોડી ગ્રુપ `સી’માં સામેલ હતી જેમાં જર્મનીના માર્ક લૈમ્સફબ અને મારવિન સિડેલની ટીમ પણ સામેલ હતી. દુર્ભાગ્યવશ લૈમ્સફબ ઈજાને કારણે ઓલિમ્પિકમાંથી બહાર થઈ ગયો છે. ભારત ઉપરાંત ઈન્ડોનેશિયાએ પણ ક્વાર્ટર ફાઈનલ માટે ક્વોલિફાય કરી લીધું છે.
જ્યારે હૉકીમાં અંતિમ ક્ષણોમાં કેપ્ટન હરમનપ્રિતે કમાલ કરી દેતાં આર્જેન્ટીના સામે મેચને ડ્રો કરાવવામાં ભારત સફળ રહ્યું હતું. નૌકાયાનમાં ભારત માટે નિરાશા સાપડી હોય તેવી રીતે બલરાજ ટોપ-૩માં જગ્યા બનાવી ન શકતાં મેડલ જીતવાનું સ્વપ્ન રોળાઈ ગયું છે.