રાજકોટમાં સોનાની લગડી જેવી યુએલસી ફાજલ જમીન વેચી મારવાનું તોસ્તાન કૌભાંડ
રૈયા સર્વે નંબર 114ની 1464 ચોરસ મીટર જમીન સરકારી હોવા છતાં સબ રજિસ્ટ્રારે દસ્તાવેજ નોંધી નાખ્યો : સીટી સર્વે અધિકારીએ પ્રોપર્ટીકાર્ડમાં નોંધ કરી નાખી
રાજકોટ : રાજકોટમા જમીન કૌભાંડીયાઓ અત્યાર સુધી ખાનગી જમીનના બોગસ દસ્તાવેજો બનાવી જમીન કૌભાંડ આચરતા હતા પરંતુ હવે તો હદ વટાવી દઈ યુએલસી ફાજલ થયેલ સરકાર હસ્તકની સોનાની લગડી જેવી 17થી 20 કરોડની કિંમતની રૈયારોડ અને સાધુ વાસવાણી રોડ વચ્ચે આવેલ રૈયા સર્વે નંબર 114ની 1464 ચોરસ મીટર જમીનનો દસ્તાવેજ નોંધાવી લઈ રેવન્યુ તલાટી પાસે નોંધ કરાવવાને બદલે સીટી સર્વેના અધિકારીને સાધી લઈ પ્રોપર્ટીકાર્ડમાં નોંધ પડાવી લઈ અન્ય વ્યક્તિના નામે 9 મહિના પૂર્વે 2.43 કરોડમાં વેચાણ દસ્તાવેજ કરી આપ્યો હોવાની ચોંકાવનારી હકીકત સામે આવતા આ ચકચારી જમીન કૌભાંડ મામલે આકરા પગલાં તોળાઈ રહ્યા હોવાનું બહાર આવ્યું છે.
જાણવા મળતી વિગતો મુજબ રાજકોટના રૈયા સર્વે નંબર 114ની શશીકાંતભાઈ છોટાલાલ કામદારની માલિકીની 3562 ચોરસ મીટર જમીન અર્બન લેન્ડ સીલિંગ એક્ટ એટલે કે યુએલસી એક્ટ મુજબ ફાજલ જાહેર થયેલી હોવાથી શહેરી જમીન ટોચ મર્યાદા ધારા હેઠળ રાજકોટ જિલ્લા કલેકટર તંત્ર દ્વારા 12-03-1996ના રોજ આ જમીનને સરકાર હસ્તક લેવામાં આવી હતી અને વર્ષ 02-04-2004માં રેવન્યુ રેકર્ડ ઉપર ઉપરોક્ત તમામ જમીન સરકાર હસ્તક લઈ લેવામાં આવી હતી અને સમગ્ર મામલે શશીકાંત છોટાલાલ કામદાર દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં કેસ કરવામાં આવતા ગુજરાત હાઇકોર્ટ દ્વારા સ્ટે પણ આપવામાં આવ્યો હતો.
બીજી તરફ રાજકોટના રહીશ ખેંગાર પુંજાભાઈ ડોડીયાએ 1972માં રૈયા સર્વે નંબર 114ની આ યુએલસી ફાજલ જમીન પૈકી પ્લોટ નંબર 7, 8,9 અને 10ની 1464 ચોરસ મીટર જમીન શશીકાંતભાઈ છોટાલાલ કામદાર પાસેથી ખરીદ કરી હોવાનું જણાવી તેમના વારસદાર રણજીતભાઇ ખેંગારભાઈ ડોડીયાનું અવસાન થતા વારસાઈ આંબાના આધારે 21-04-2023ના રોજ રાજકોટ સીટી સર્વે અધિકારી દ્વારા આ જમીન યુએલસી ફાજલ હોવા છતાં ધીરુભાઈ ખેંગારભાઈ ડોડીયા, વજીબેન ખેંગારભાઈ ડોડીયા, રમેશભાઈ ખેંગારભાઈ ડોડીયા,મંગુબેન ખેંગારભાઈ ડોડીયા, રમાબેન ખેંગારભાઈ ડોડીયા, સવિતાબેન ખેંગારભાઈ ડોડીયા, મીનાબેન ખેંગારભાઈ ડોડીયા, માધુરીબેન ખેંગારભાઈ ડોડીયા, સરોજબેન ખેંગારભાઈ ડોડીયા, રવિરાજભાઈ રણજીતભાઇ ડોડીયા,ભવદીપ રણજીતભાઇ ડોડીયાના નામે પ્રોપર્ટીકાર્ડમાં નોંધ પાડી આપી હતી.
દરમિયાન રાજકોટ સીટી સર્વે -1 વિભાગના સુપ્રિન્ટેન્ડેન્ટ દ્વારા 21-04-2023ના રોજ યુએલસી ફાજલ જમીનની પ્રોપર્ટીકાર્ડમાં નોંધ પાડી દેતા છ મહિનાના ટૂંકા સમયમાં જ સોનાની લગડી જેવી આ સરકારી યુએલસી ફાજલ એવી 1464 ચોરસ મીટર જમીનનો ધીરુભાઈ ખેંગારભાઈ ડોડીયા સહિતના 11 કહેવાતા માલિકોએ તા.26-10-2023ના રોજ સુરજભાઈ વાજસુરભાઈ ડેરને રૂપિયા 2.43 કરોડ રૂપિયામાં આ જમીનનું વેચાણ કરી નાખ્યું હતું. ઉલ્લેખનીય છે કે આ વિવાદિત સરકારી જમીન રાજકટોના રૈયારોડ અને સાધુ વાસવાણી રોડ વચ્ચે આવેલ ગોપાલ ચોક નજીક આવેલી છે અને અહીં હાલમાં પ્રતિ ચોરસ વાર જમીનનો ભાવ અંદાજે 1થી 1.50 લાખ રૂપિયા ચાલે છે જે જોતા સરકારની માલિકીની 1464 ચોરસ મીટર એટલે કે, 1750.929 ચોરસ વાર જગ્યાની પ્રવર્તમાન બજાર કિંમત 17થી 20 કરોડથી વધુ થવા જાય છે.
રૈયા સબ-રજિસ્ટ્રાર અને સીટી સર્વે સુપ્રિન્ટેન્ડેન્ટ-1 શંકાના દાયરામાં
રાજકોટના રૈયા સર્વે નંબર 114ની યુએલસી ફાજલ થયેલી જમીન પૈકીની 1464 ચોરસ મીટર એટલે કે, 1750.929 ચોરસવાર સરકારી જમીન બરોબર ખાનગી નામે પ્રોપર્ટીકાર્ડમાં નોંધણી કરવી અને બાદમાં છ જ મહિનાના ટૂંકા સમયમાં આ જમીનનો રૂપિયા 2.43 કરોડના ભાવે વેચાણ દસ્તાવેજ થઈ જવાના અત્યંત ગંભીર કૌભાંડમાં દસ્તાવેજની નોંધ કરનાર રાજકોટના રૈયા સબ-રજિસ્ટ્રાર અને આ દસ્તાવેજની નોંધ કરી દેનાર સીટી સર્વે સુપ્રિન્ટેન્ડેન્ટ-1 અધિકારી શંકાના દાયરામાં આવી ગયા છે. દરેક સબરજિસ્ટ્રાર, રેવન્યુ તલાટી અને સીટી સર્વે અધિકારી પાસે યુએલસી ફાજલ થયેલી તમામ જમીનનો ડેટા હોવા છતાં કરોડોની કિંમતી જમીનની નોંધ શા માટે પ્રોપર્ટી કાર્ડમાં પડી અને દસ્તાવેજ કેવી રીતે નોંધાઈ ગયો તે મોટો સવાલ છે ત્યારે સરકારી જમીન ખાનગી નામે ચડાવી વેચાણ કરવાંમાં અધિકારીઓ સાથે મોટા આર્થિક વ્યવહારો થયા હોવાનું પણ સૂત્રો જણાવી રહ્યા છે.
શહેરી જમીન ટોચ મર્યાદા ધારો 1976માં અમલમાં આવ્યો હતો
શહેરી જમીન ટોચ મર્યાદા ધારો 17 ફેબ્રુઆરી, 1976ના અમલમાં આવ્યો હતો. આ કાયદા હેઠળ અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, ભાવનગર એમ છ શહેરોના કોર્પોરેશન વિસ્તારની હદમાં અને તેની ફરતે પાંચ કિ. મી. ના વિસ્તારમાં આવતી રહેણાંકીય, ઔદ્યોગિક, બિનખેતીની જમીનને સરકાર સમક્ષ જાહેર કરવી પડી હતી.જે બાદમાં તા. 31 માર્ચ, 1999માં સરકારે કાયદો રદ કર્યેા હતો. યુએલસી કાયદાની કલમ 6/1 પ્રમાણે જમીન ધારકે જમીનના કેટલા વારસદાર છે અને કેટલી જમીન ફાજલ પડે છે તેની જાહેરાત કરવાની હતી. જાહેરાત સાચી છે કે ખોટી અને જો ખોટી હોય તો ફોજદારી કાર્યવાહી કરવા સુધીની સત્તા આપવામાં આવી હતી.