સસ્પેન્શન માત્ર કાર્યવાહીનો ભાગ છે, આગળ પગલાં લેવાશે: રૂપાલા
મુખ્યમંત્રી જે રીતે રસ લઈ રહ્યા છે તે જોતાં દાખલા રૂપ કાર્યવાહી થશે તેવો રૂપલાનો મત: રાજકોટમાં અગ્નિકાંડ બાદ કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા: ડીએનએ રિપોર્ટ સહિતની સ્થિતિ અંગે મેળવ્યો તાગ
વોઇસ ઓફ ડે, રાજકોટ
રાજકોટના ટીઆરપી ગેમઝોનમાં બનેલી અગ્નિકાંડની ગોઝારી ઘટનાના ચોથા દિવસે કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા રાજ્યસભાના સાસંદ રામ મોકરિયા, કલેકટર પ્રભવ જોશી સાથે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. જ્યાં એમણે પત્રકારો સાથેની વાતચીત દરમિયાન કહ્યું હતું કે, સસ્પેન્શન એ કાર્યવાહીનો ભાગ છે. અમે હતભાગીઓના પરિવારજોની લાગણીને અનુરૂપ એક્શન આવે તે દિશામાં પ્રયાસ કરીશું.
રાજકોટમાં અગ્નિકાંડની ગોઝારી ઘટનામાં 28 લોકો જીવતા ભૂંજાઈ ગયા હતા. જે લોકો ગુમ થયા છે તેમના પરિવારજનોના તા.25મીએ જ રાત્રે ડીએનએ સેમ્પલ લેવામાં આવ્યા હતા. મંગળવારે સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચેલા પરસોત્તમ રૂપાલાએ કહ્યું હતું કે, આજે અમે છેલ્લી સ્થિતિ શું છે?, કેટલા ડીએનએ સેમ્પલ આવ્યા છે? કેટલા બાકી છે? કેટલીવાર લાગે તેમ છે? વગેરે જાણવા આવ્યા છીએ. આ માટે સબંધિત અધિકારીઓ સાથે ચર્ચા કરી છે. રૂપાલાએ કહ્યું હતું કે, સ્થળ પરથી કુલ 27 મૃતદેહ મળ્યા હતા. અત્યાર સુધીમાં 17 લોકોના ડીએનએ સેમ્પલ રાજકોટ પહોંચ્યા છે. જ્યારે 10 ડીએનએ રિપોર્ટ આવવાના બાકી છે.
ગેમઝોનનું સ્ટ્રક્ચર નબળું હતું છતાં ત્રણ વર્ષથી ધમધમતું હતું તે કેટલું વ્યાજબી છે? તેવા પ્રશ્નના જવાબમાં રૂપાલાએ કહ્યું હતું કે, તે બિલકુલ વ્યાજબી નથી. તે માટે જ મુખ્યમંત્રીએ સીટની રચના કરી છે. મતદાન પહેલા તમે સભા યોજતાં હતા પરંતુ આ ઘટના બાદ તમે આવ્યા નથી. તે અંગે રૂપાલાએ કહ્યું હતું કે, હું અહી જ હતો, આ સ્થળે નતો આવ્યો એ હકીકત છે. પરંતુ હું અહી જ હતો, તંત્ર સાથે સંકળાયેલો હતો, તંત્ર સાથે કોર્ડીનેટ કરતો હતો.
રાજકોટમાં બનેલી દુર્ઘટના બાદ સીટની રચના થઈ, 7 અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા, હવે આનાથી આગળ કાર્યવાહી થશે કે પછી કઈ નવું નહિ થાય? તેવા પ્રશ્નના જવાબમાં રૂપાલાએ કહ્યું હતું કે, મારો એવો મત છે કે, જે પ્રકારે મુખ્યમંત્રી પોતે રસ લઈ રહ્યા છે, ડે ટુ ડે મોનીટરીંગ એમની ઓફિસમાં થઈ રહ્યું છે. એ જોતાં મને એવું લાગે છે કે, આમાં દાખલો બેસે એ પ્રકારની કાર્યવાહી અવશ્ય થશે. સસ્પેન્સને હું કાર્યવાહીનો ભાગ માનું છુ, એને પરિણામ નથી માનતો. અમે હતભાગીઓના પરિવારજનોની લાગણીને અનુરૂપ એક્શન આવે તે દિશાના પ્રયાસ કરીશું.
બોક્સ
હતભાગીઓના સ્વજનો રૂપાલાને ઘેરી વળ્યા
રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા અધિકારીઓ સાથે બેઠક કરી પરત આવતાની સાથે અગ્નિકાંડના હતભાગીઓના પરિવારજનો રૂપાલાને ઘેરી વળ્યા હતા. કેટલાકે રજૂઆત કરતાં કહ્યું હતું કે, અહી વ્યવસ્થા યોગ્ય છે, પોલીસ પણ સહયોગ આપે છે પરંતુ ઘટના બન્યાના 3 દિવસથી વધારે સમય થયો છે પંરતુ હજુ સુધી ડીએનએ રિપોર્ટ આવ્યો નથી, જે અંગે યોગ્ય કરો. વહેલીતકે અમને મૃતદેહ સોંપવામાં આવે જેથી અમે અંતિમવિધિ કરી શકીએ. આ સમયે રૂપાલાએ પરિવારજનોને સાંત્વના પાઠવી હતી.