રાજકોટ સિવિલમાં ફરજ બજાવતા કોન્ટ્રાકટ બેઇઝ કર્મચારીઓ માટે વર્ષમાં બે વખત ફિટનેશ ચેકઅપ ફરજીયાત : પરિપત્ર જાહેર કરાયો
નર્સીંગ, ઓપરેટર, ટેક્નિકલ અને સફાઈ સહિતના 3500 જેટલા કર્મચારીઓમાં ગણગણાટ
રાજકોટ : રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા તમામ કોન્ટ્રાકટ બેઇઝ કર્મચારીઓ માટે સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ દ્વારા ખાસ પરિપત્ર અમલી બનાવી વર્ષમાં બે વખત ફિટનેશ સર્ટિફિકેટ લેવું ફરજીયાત બનાવ્યું છે, આ પરિપત્રને લઇ કર્મચારીઓમાં ગણગણાટ શરૂ થયો છે.

પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કોમ્પ્યુટર ઓપરેટરો, નર્સીંગ સ્ટાફ, ડ્રાઇવર, ટેક્નિકલ સ્ટાફ તેમજ સફાઈ કર્મચારી સહિતના 3500 જેટલા કર્મચારીઓ ખાનગી કોન્ટ્રાકટર હેઠળ ફરજ બજાવી રહ્યા છે ત્યારે સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ દ્વારા કોન્ટ્રાકટ હેઠળ કામ કરતા તમામ કર્મચારીઓ માટે વર્ષમાં બે વખત ફિજિકલ ફિટનેશ ચેક કરાવી રિપોર્ટ આપવો ફરજીયાત બનાવવામાં આવતા કર્મચારીઓમાં ઉહાપોહ મચી ગયો છે, બીજી તરફ કર્મચારીઓને ફિટનેશ માટે કોઈ જ ચાર્જ ચૂકવવાનો નથી, તમામ ચેકઅપ સિવિલમાં જ થનાર હોવા છતાં આ પરિપત્રથી કોન્ટ્રાક્ટરથી લઈ કર્મચારીઓમાં ગણગણાટ શરૂ થયો છે.
ઉલ્લેખનીય છે કે, સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટના વર્ષમાં બે વખત ફિજિકત ફિટનેશ અંગેના પરિપત્રની ચુસ્તતા પૂર્વક અમલવારી કરવામાં આવે તો રાજકોટ સિવિલમાં ચાલતી કોન્ટ્રાકટરની લાલીયાવાડી બંધ થવાની સાથે કોન્ટ્રાકટ બેઇઝ કર્મચારીઓનો સાચો આંકડો પણ સામે આવે તેમ હોવાનું મનાઈ રહ્યું છે. બીજી તરફ સૂત્રોએ જણાવ્યું હતું કે, કોન્ટ્રાકટ બેઇઝ કર્મચારીની સાથે સાથે રાજકોટ સિવિલના કાયમી નોકરિયાત કર્મચારીઓ માટે પણ વર્ષમાં બે વખત ફિટનેશ ચેકઅપ ફરજીયાત કરવામાં આવ્યું છે.
