9.7 ડિગ્રી ! રાજકોટમાં સિઝનનો સૌથી ઠંડો દિવસ
કોલ્ડવેવના યલો એલર્ટ વચ્ચે મહત્તમ તાપમાનમાં બે ડિગ્રીનો વધારો
રાજકોટ : સૌરાષ્ટ્ર્ર કચ્છમાં કોલ્ડ વેવના યેલ્લો એલર્ટ વચ્ચે બુધવારે રાજકોટમાં લઘુતમ તાપમાનમાં બે ડિગ્રીના ઘટાડા સાથે લઘુતમ તાપમાનનો પારો સિંગલ ડીઝીટમાં પહોંચી ગયો હતો. રાજકોટમાં બુધવારે લઘુતમ તાપમાન 9.7 ડિગ્રી નોંધાતા શિયાળાની સિઝનમાં સૌથી ઠંડો દિવસ રહ્યો હતો. બીજીતરફ ગીરનાર પર્વત ઉપર 5.1 અને નલિયામાં 5.9 ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું હતું.
જમ્મુ કાશ્મીરમાં થઇ રહેલ હિમવર્ષા તેમજ ઉત્તર દિશામાંથી ફુંકાતા પવનને કારણે સમગ્ર રાજ્યમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે ત્યારે રાજકોટમાં બુધવારે સિઝનનો સૌથી ઠંડો દિવસ રહ્યો હતો. રાજકોટમાં સીઝનમાં પ્રથમ વખત જ લઘુતમ તાપમાન 9.7 ડિગ્રી પહોંચ્યું હતું. બુધવારે અમરેલીમાં 11.8 ડિગ્રી, ભાવનગરમાં 13.8 ડીગ્રી, ડીસામાં 10.6 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. જો કે, રાજકોટમાં બુધવારે દિવસ દરમિયાન તડકો પડતા મહત્તમ તાપમાનમાં બે ડિગ્રીના વધારા સાથે 29.3 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.