સાગઠિયાને કારણે જ્વેલર્સ ACBના રડાર’માં: સઘન પૂછપરછ
છ દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં ફરી જેલહવાલે કરાયાપ્રતિષ્ઠિત જ્વેલર્સ રાધિકા, પ્રેમજી વાલજી સહિતને ત્યાં એસીબી પહોંચ્યું
સાગઠિયાએ બધા ઘરેણા રોકડેથી જ લીધા હોવાથી કોણ લેવા ગયું, બિલ કોના નામે બન્યા તે સહિતના મુદ્દા બન્યા પેચીદા
હવે છૂપી મિલકતો શોધવા મથામણ કરશે એસીબી રચિત
સીટ’
તત્કાલિન ટાઉન પ્લાનિંગ ઓફિસર એમ.ડી.સાગઠિયાએ ભ્રષ્ટાચારની જાળ એટલી હદે પાથરી દીધી છે કે એસીબીનો પન્નો પણ ટૂંકો પડી રહ્યો છે. સાગઠિયાની ઓફિસમાંથી ૧૮ કરોડની કિંમતના સોના-ચાંદી-હિરાજડિત ઘરેણા ઉપરાંત રોકડ પકડાતાં એસીબીએ સાગઠિયાનો કબજો લઈને છ દિવસના રિમાન્ડ પર લીધા હતા જે સોમવારે પૂર્ણ થતાં ફરી તેને જેલહવાલે કરી દેવામાં આવ્યા છે. જો કે સાગઠિયાને કારણે શહેરના પ્રતિષ્ઠિત જ્વેલર્સ એસીબીના `રડાર’માં આવી ગયા હોય તેમ રાધિકા સહિતના જ્વેલર્સની સઘન પૂછપરછ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
એમ.ડી.સાગઠિયાની ઓફિસમાંથી ૧૫ કરોડનું સોનું પકડાયું હતું તે સોનું ક્યાંથી આવ્યું તેની ભાળ મેળવવા માટે એસીબીએ જ્વેલર્સને સ્કેન કર્યા હતા. આ પછી એવો ખુલાસો થયો હતો કે સાગઠિયાએ રાધિકા, પ્રેમજી વાલજી સહિતના પ્રતિષ્ઠિત જ્વેલર્સને ત્યાંથી ઘરેણાની ખરીદી કરી હતી. જો કે આ ખરીદી વર્ષો પહેલાં થઈ હોવા ઉપરાંત તમામ ઘરેણા રોકડેથી જ ખરીદાયા હોવાને કારણે ઘરેણા લેવા કોણ ગયું, બિલ કોના નામે બન્યા તે સહિતના મુદ્દા પેચીદા બની ગયા છે.
સાગઠિયાના રિમાન્ડ પૂર્ણ થયા બાદ હવે ફરી જેલમાં જવું પડ્યું છે ત્યારે સરકાર દ્વારા રચવામાં આવેલી એસીબીની સ્પેશ્યલ ઈન્વેસ્ટીગેશન ટીમ (સીટ) દ્વારા સાગઠિયાની છૂપી મિલકતો શોધવા માટે મથામણ શરૂ કરી દેવામાં આવી છે.
ભ્રષ્ટાચારના નાણાંથી જ બધું ખરીદ કર્યું છે'નું નિવેદન કેસ વધુ મજબૂત બનાવશે એસીબીના ડીવાયએસપી આશુતોષ પરમારે
વોઈસ ઓફ ડે’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સાગઠિયાએ તમામ ઘરેણાની ખરીદી ભ્રષ્ટાચારના પૈસે જ કરી છે અને તેનું નિવેદન પણ આ જ રહ્યું છે ત્યારે તે આ કેસને વધુ મજબૂત બનાવશે. તેનું કહેવું છે કે તે લોકોના કામ કરી આપતા હોવાથી તેને પૈસા મળતા હતા અને તે પૈસાથી તે સોનું ખરીદતા હતા. એકંદરે હવે એસીબી દ્વારા આ ગુનાનું ચાર્જશીટ ઝડપથી તૈયાર કરી કોર્ટમાં મુકી દેવામાં આવે તેવા પ્રયત્નો ચાલી રહ્યા છે.
સાગઠિયાએ અમારે ત્યાંથી વર્ષો પહેલાં ખરીદી કરી હતી: અશોક ઝીંઝુવાડિયા
દરમિયાન રાધિકા જ્વેલર્સના માલિક અશોક ઝીંઝુવાડિયાએ જણાવ્યું હતું કે સાગઠિયાએ તેમને ત્યાંથી વર્ષો પહેલાં ઘરેણાની ખરીદી કરી હતી. એ સમયે કોના નામથી બિલ બનાવ્યું હોય તે કહેવું અત્યારે શક્ય નથી. એસીબી દ્વારા અમને ઘરેણાના ફોટો બતાવાયા હતા પરંતુ તેના આધારે ઓળખ કરવી મુશ્કેલ છે. અમારે ત્યાંથી જે પણ સોનું ખરીદાય તેનું બિલ બને જ છે એટલા માટે સાગઠિયાએ પણ ઘરેણા ખરીદ કર્યા હશે તેનું બિલ બન્યું જ હશે પરંતુ એ સમયે કોણ ખરીદી કરવા આવ્યું તે અત્યારે કહેવું કપરું છે.