રાજકોટના ભીચરીમાં 20 કરોડની જમીન ખુલ્લી કરાઈ
સરકારી જમીન ઉપર ખડકાઈ ગયેલ બે દુકાનો, ઢોર બાંધવાના વાડા અને કારખાનુ તોડી પડાયું
રાજકોટ : રાજકોટ તાલુકા મામલતદાર દ્વારા અમરગઢ ભીચરી ગામે સરકારી ખરાબામા ખડકાઈ ગયેલ બે દુકાનો, ઢોર બાંધવાના વાડા અને કારખાના સહિતના દબાણો ઉપર બુલડોઝર ફેરવી દઈ અંદાજે રૂપિયા 20 કરોડની બજાર કિંમતની સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી હતી.
ગુજરાત સરકાર દ્વારા સરકારી જમીનો ઉપર ખડકાયેલા દબાણો દૂર કરવા આદેશ આપતા રાજકોટ જીલ્લા કલેકટરની સૂચનાથી મંગળવારે રાજકોટ તાલુકા મામલતદાર કે.એમ. મકવાણા અને તેમની ટીમે અમરગઢ ભીચરી ગામે સરકારી ખરાબાના સર્વે નં. 228 પૈકીની જમીન ઉપર ઉભા થયેલા દબાણો ઉપર બુલડોઝર ફેરવી દીધુ હતું.વધુમાં અમરગઢ ભીચરી ગામના સરકારી ખરાબાના સર્વે નં. 228 પૈકીની જમીન ઉપર બે દુકાનો, ઢોર બાંધવાના વાડા તથા એક કારખાનુ મળી અંદાજીત 10 હજાર ચોરસ મીટર જમીન ઉપર દબાણો ખડકાઈ ગયા હતા જે દબાણો હટાવી તંત્રએ અંદાજે રૂપિયા 20 કરોડની કિંમતની સરકારી જમીન ખુલ્લી કરાવી હતી.