સિક્કિમમાં આફતનો વરસાદ : 9 ના મોત
વિદેશીઓ સહિત અનેક પ્રવાસીઓ ફસાઈ ગયા : કેટલાક લોકો ઘાયલ
વોઇસ ઓફ ડે નવી દિલ્હી
સિક્કિમમાં અવિરત વરસાદના કારણે શનિવારે ભારે ખાના ખરાબી અને જાનહાનિ થયા હતા. સતત વર્ષઅને લીધે ભૂસ્ખલનની સ્થિતિ ગંભીર બની ગઈ હતી. મંગન જીલ્લામાં વરસાદના કારણે થયેલા ભૂસ્ખલનમાં 15 વિદેશી નાગરિકો તેમજ 1200થી વધુ પ્રવાસીઓ ફસાયા હતા. એક અધિકારી દ્વારા આપેલી જાણકારી મુજબ ભૂસ્ખલન અને ભારે વરસાદના કારણે 9 લોકોના મોત થયા હતા. તેમજ મિલકતને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. આ ઉપરાંત ઘણા વિસ્તારોમાં રોડ કનેક્ટિવિટી, વીજળી, મોબાઈલ ટાવરને ભારે નુકસાન થયું છે.
પર્યટન અને નાગરિક ઉડ્ડયન વિભાગના અગ્ર સચિવે જણાવ્યું હતું કે, “રિપોર્ટ્સ મુજબ, ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે રસ્તા બ્લોક થવાથી લગભગ 1200 સ્થાનિક અને 15 વિદેશી પ્રવાસીઓ ફસાયા છે. જેમાં થાઇલેન્ડના બે, નેપાળના ત્રણ, બાંગ્લાદેશના 10 મંગન જીલ્લાના લાચુંગમાં ફસાયા છે.
મુખ્યમંત્રી પ્રેમ સિંહ તમાંગે ભારે વરસાદના કારણે થયેલા ભૂસ્ખલન બાદની સ્થિતિની સમીક્ષા કરવા માટે એક ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી. સિક્કિમમાં હાલ ભૂસ્ખલનની સ્થિતિ હોવાના કારણે સ્થાનિક અધિકારીઓએ ત્યાં ફસાયેલા પ્રવાસીઓને ત્યાંથી બહાર કાઢવાનું તેમજ જોખમ લેવાથી બચવાનું કહ્યું છે. ફસાયેલા પ્રવાસીઓ માટે પૂરતા પ્રમાણમાં રાશન છે.