પોલીસે પૈસાની ઓફર કરી હોવાનો કોલકત્તાની પીડિતાના પિતાનો આક્ષેપ
પોલીસે ઉતાવળે પગની સંસ્કાર કરાવી દીધા, પોલીસ પહેલેથી જ ભીનું સંકેલવા માગતી હતી
કોલકતાની આરજી કર હોસ્પિટલમાં મહિલા તબીબ પરના દુષ્કર્મ અને હત્યાના કેસમાં પોલીસ પહેલેથી જ ભીનું સંકેલવા માંગતી હોવાનો પીડિતાના પિતાએ આક્ષેપ કર્યો હતો.તેઓ ગુરુવારે રાત્રે હોસ્પિટલ સામે જુનિયર ડોક્ટરો દ્વારા ચાલતા આંદોલનમાં સહભાગી થયા હતા.
તેમણે કહ્યું કે આ આખી તપાસમાં પહેલેથી જ પોલીસની કામગીરી શંકાસ્પદ છે. અમને ફોન ઉપર મારી પુત્રીએ આપઘાત કર્યો હોવાનું કહેવામાં આવ્યું હતું. ત્રણ કલાક સુધી અમને મૃતદેહ પણ જોવા નહોતો મળ્યો. મૃતદેહ ને પોસ્ટમોર્ટમ માટે લઈ જવાયો ત્યારે અમને પોલીસ સ્ટેશનમાં બેસાડી રખાયા હતા.
તેમણે કહ્યું કે અમે મૃતદેહ થોડી વાર રાખી મૂકવા માંગતા હતા પરંતુ પોલીસે ખૂબ ઉતાવળ કરી અને અંતિમ સંસ્કાર કરાવી દીધો. 300 થી 400 પોલિસે અમને ઘેરી લીધા હતા. મૃતદેહ લઈને અમે ઘરે પહોંચ્યા ત્યારે ત્યાં પણ 300 જેટલા પોલીસોએ ઘેરાબંધી કરી લીધી હતી. પોલીસે એવી પરિસ્થિતિ ઊભી કરી કે અમારે ઉતાવળે અંતિમ સંસ્કાર કરી દેવા પડ્યા. તેમણે વધુમાં કહ્યું કે પોલીસે કોરા કાગળ ઉપર મારી સહી લેવાની કોશિશ કરી હતી પરંતુ મેં એ કાગળ ફાડી નાખ્યો હતો. પુત્રીનો મૃતદેહ ઘરે આવ્યો ત્યારે કોલકાતા નોર્થના ડેપ્યુટી કમિશનરે તેમને પૈસા દેવાની ઓફર કરી હોવાનો પણ તેમણે આક્ષેપ કર્યો હતો. તેમણે ઓટોપસી તેમજ ફરિયાદ નોંધવામાં થયેલા વિલંબ અંગે પણ સવાલો કર્યા હતા.
કોલકતામાં વિરોધના ભાગરૂપે લોકો દ્વારા એક કલાક અંધારપટ
પીડિતાના પરિવારજનોએ તબીબોના આંદોલનને ટેકો જાહેર કર્યો છે. ગુરુવારે રાત્રે તેમાં સહભાગી થયેલા પીડિતાના માતાએ કહ્યું કે હું સુઈ શકતી નથી અને હું ઈચ્છું છું કે ગુનેગારોની ઊંઘ પણ હરામ થઈ જવી જોઈએ.ન્યાય ન મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેવું જોઈએ તેવો મત તેમણે વ્યક્ત કર્યોહતો..નોંધનીય છે કે કોલકતામાં દરરોજ વિવિધ સંસ્થાઓ દ્વારા દેખાવ પ્રદર્શન કરવામાં આવે છે. ગુરુવારે રાત્રે લોકોએ એક કલાક માટે લાઈટો બંધ કરી અને અંધારપટ પાડ્યો હતો.વિક્ટોરિયા મેમોરિયલ તેમ જ રાજ ભવન ખાતે પણ લાઈટો બંધ કરી દેવામાં આવી હતી.ગવર્નર સીવી બોસે રાજભવન ખાતે મીણબતી પ્રગટાવી વિરોધ દર્શાવ્યો હતો.