કેન્દ્રીય મંત્રીએ કોને ચિંટીયો ભર્યો ? રાજકીય વર્તુળોમાં ચર્ચા
- સતાધીશોએ તીવ્રતમ વિરોધ પણ સહન કરી અને ગાઢ આત્મમંથન કરવું જોઈએ: ગડકરી
- લોકોને ભય વગર અભિપ્રાયો આપવાનું આહવાન કર્યું
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ પુણે ની MIT world peace University ખાતે કરેલું સંબોધન રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યું છે. તેમણે કહ્યું કે “સતાધિશે પોતાની સામેના વિરોધને સહન કરવો જોઈએ.લોકશાહીની સાચી કસોટી એ જ છે કે રાજા પોતાની સામેના તીવ્રતમ વિરોધને પણ સહન કરી આત્મમંથન કરી શકે”
તેમણે કહ્યું કે આપણો દેશ મતભેદની સમસ્યાનો નહીં પણ મતભેદના અભાવ ની સમસ્યાનો સામનો કરી રહ્યું છે. ભારતને લોકશાહીની જનેતા માનવામાં આવે છે અને સંસદ – ધારાસભા, વહીવટી તંત્ર, ન્યાયતંત્ર અને મીડિયા તેના ચાર આધારસ્તંભ છે. ભારતના બંધારણે વાણી અને વિચારોની અભિવ્યક્તિનું સ્વાતંત્ર્ય આપ્યું છે તેમ જણાવી તેમણે વિચારશીલ લોકો, ચિંતકો અને લેખકોને તેમના વિચારો અને અભિપ્રાયો જો રાષ્ટ્ર અને સમાજના હિતમાં હોય તો કોઈપણ જાતના ભય વગર વ્યક્ત કરવા આહવાન કર્યું હતું. નોંધનીય છે કે ભારતમાં રાજકીય, સામાજિક અને ધાર્મિક અસહિષ્ણુતા તેમજ ધાર્મિક વૈમનસ્ય વધી રહ્યું છે ત્યારે ગડકરીએ કરેલા આ નિવેદનોને ખૂબ સૂચક માનવામાં આવે છે.
બધાને પોતાના ધર્મને અનુસરવાની છૂટ
કેન્દ્રીય મંત્રીએ કે જ્યાં સુધી ધર્મ અને જાતિ આધારિત અસમાનતા છે ત્યાં સુધી રાષ્ટ્ર પ્રગતિ નહીં કરી શકે. સામાજિક અને ધાર્મિક સહિષ્ણુતાની આવશ્યકતા ઉપર ભાર મુકતા તેમણે કહ્યું કે ગીતા, કુરાન અને બાઈબલનો પણ એ જ મુખ્ય સંદેશો છે. તેમણે ઉમેર્યું કે ક્યા ભગવાનને માનવા અને કોને પ્રાર્થના કરવી તે વ્યક્તિગત પસંદગીનો વિષય છે. બંધારણે વાણી સ્વાતંત્ર્ય આપ્યું છે એ જ રીતે ધાર્મિક સ્વાતંત્ર્ય પણ આપ્યું છે.
વિશ્વગુરુ બનવું હોય તો ભાઈચારો કેળવવો પડશે
ગડકરીએ કહ્યું કે શિવાજી મહારાજ ભારતના ઇતિહાસમાં સૌથી વધુ ધર્મનિરપેક્ષ નેતા હતા. તેમણે ક્યારેય અન્ય ધર્મના ધર્મસ્થાનો અને ધ્વંશ નહોતા કર્યા.જો આપણે વિશ્વગુરુ બનવું હોય તો સામાજિક એકતા અને ભાઈચારાનો રસ્તો અપનાવો પડશે. તેમણે દેશમાં વ્યાપ્ત સામાજિક અસમાનતા અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને કહ્યું કે લોકોએ એ સમજવું પડશે કે કોઈ વ્યક્તિનું કદ કોઈ જાતિ ભાષા કે ધર્મ પર આધારિત નથી હોતું.