સખણાં રહેજો નહિતર સો ટકા ટેરિફ : ટ્રમ્પ
ભારત સહિત બ્રિક્સ દેશોને ફરી એક વખત ધમકી આપી
ડોલરના વિકલ્પે કોઈ ચલણને ટેકો નહીં આપે તેવી ખાતરી માગી
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એક વખત ધાક ધમકી ઉપર ઉતરી આવ્યા છે. ડોલરના વિકલ્પે અન્ય કોઈ ચલણમાં આંતરરાષ્ટ્રીય વ્યાપાર વિનિમય કરવાના પ્રયાસ સામે તેમણે બ્રિક્સ સંગઠનના ભારત સહિતના દેશોને સો ટકા ટેલીફોન માટે તૈયાર રહેવાની ચેતવણી આપી હતી અને સાથે જ એ દેશો અન્ય ચલણને ટેકો પણ નહીં આપે તેવી બાહેંધરી માંગી હતી.
ટ્રમ્પે કહ્યું કે બ્રિક્સના દેશો ડોલરને કોરાણે મૂકી અને અન્ય ચલણ આંતરરાષ્ટ્રીય વ્યાપાર વિનિમય કરવાના પ્રયાસો કરતા હોય અને અમેરિકા હાથ જોડીને બેઠું રહે એ દિવસો વીતી ગયા છે.
ટ્રમ્પે કહ્યું,” આપણે એ હોસ્ટાઈલ દેશો તરફથી ખાતરી જોઈએ છે કે તેઓ ક્યારેય નવું ‘ બ્રિકસ ચલણ ‘ નહીં બનાવે કે નહીં ડોલરના વિકલ્પે બીજા કોઈ ચલણને ટેકો આપે. નહિતર તેમણે સો ટકા ટેરીફ માટે તૈયાર રહેવું પડશે અને અમેરિકાના અદભુત અર્થતંત્ર ને અલવિદા કરી દેવું પડશે “. નોંધનીય છે કે આ અગાઉ તેમણે ચીન બ્રાઝિલ અને ભારત સૌથી વધારે ટેરિફ લગાવતા હોવાનો આક્ષેપ કર્યો હતો. 30 મી નવેમ્બરે પણ તેમણે આ જ ચેતવણી આપી હતી. તેમણે કહ્યું કે બ્રિક્સ રાષ્ટ્રો આંતરરાષ્ટ્રીય વ્યાપાર વિનિમય માં ડોલરનો વિકલ્પ શોધી શકે તેવી કોઈ શક્યતા નથી.
ટ્રમ્પ કેમ વારંવાર ધમકી આપે છે?
બ્રિક્સ સંગઠનમાં બ્રાઝિલ,રશિયા, ભારત, ચીન અને સાઉથ આફ્રિકા સ્થાપક દેશો છે. તાજેતરના વર્ષોમાં તેમાં ઇજિપ્ત, ઇથોપિયા, ઇન્ડોનેશિયા, ઈરાન અને યુએઇનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ બધા દેશો છેલ્લા ઘણા સમયથી આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં ડોલરની નિર્ભરતા ઘટાડવા માટે પ્રયાસો કરી રહ્યા છે. પશ્ચિમના રાષ્ટ્રોએ રશિયા ઉપર આર્થિક પ્રતિબંધો લાગ્યા બાદ એ પ્રયત્નો વધુ વેગવંતા બન્યા છે. બ્રિક્સ પાસે પોતાની કોમન કરન્સી નથી પરંતુ એ સંગઠનના સભ્ય દેશો દ્વિપક્ષીય વ્યાપારમાં ડોલરને બદલે સ્થાનિક ચલણનો ઉપયોગ કરવાની હિમાયત કરતા રહ્યા છે. ટ્રમ્પ એટલે જ ધુંધવાયા છે અને એવા કોઈ પણ પ્રયાસ ને ઉગતા જ ડામી દેવા ધાકધમકી પર ઉતરી આવ્યા છે.
મેક્સિકો અને કેનેડા ઉપર આજથી 25% ટેરીફ લાગુ
ટ્રમ્પે પહેલી ફેબ્રુઆરીથી ચીન, કેનેડા અને મેક્સિકો ઉપર વધારાનો 10% ટેરીફ લાદવાની આ અગાઉ જાહેરાત કરી હતી. જો કે કેનેડા અને મેક્સિકો ઉપર શનિવાર પહેલી ફેબ્રુઆરીથી વધારાના 25% ટેરેપના અમલની ઘોષણા કરી હતી. ચીન અંગે તેમણે કોઈ ઉલ્લેખ કર્યો ન હતો. તેમણે જોકે કેનેડા અને મેક્સિકો માંથી આયાત થતા ઓઇલ ઉપર ટેરિફ લાદવાનો નિર્ણય પણ હાલ પૂરતો મોકૂફ રાખ્યો હતો. ઉલ્લેખનીય છે કે અમેરિકા દરરોજ કેનેડા પાસેથી 46 લાખ બેરલ અને મેક્સિકો પાસેથી દરરોજ 5.62 લાખ બેરલ ઓઇલ
આયાત કરે છે.
ભારતે પાઠ્યક્રમ બહારની વિદેશ નીતિ અપનાવી પડશે
ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે દિલ્હી યુનિવર્સિટી ની હંસરાજ કોલેજમાં વાર્તાલાપ દરમિયાન ભારતની વિદેશનીતિમાં પરિવર્તનના નિર્દેશ આપ્યા હતા. તેમણે કહ્યું કે ટ્રમ્પની બીજી ટર્મમાં વૈશ્વિક સ્તરે અનેક ફેરફારો થશે અને ભારતે પણ પાઠ્યક્રમ બહારની વિદેશ નીતિ અપનાવી પડશે. નોંધનીય છે કે ભારત સૌથી વધારે ટેરિફ લગાવતું હોવાનો આક્ષેપ કરી ટ્રમ્પ વળતો બમણો ટેરીટ લગાવવાની ધમકી આપતા રહ્યા છે. વડાપ્રધાન મોદી સાથેની ટેલીફોનિક વાતમાં ઓન તેમણે અમેરિકામાં ઉત્પાદિત સુરક્ષા સાધનોની ખરીદી વધારવા ભારતને અનુરોધ કર્યો હતો. તેમની એ વ્યાપારનીતિને કારણે ભારતે પરંપરાગત વિદેશ નીતિમાં પરિવર્તન લાવવું પડશે. એસ જયશંકર એ કહ્યું કે અનેક વિષયોમાં આપણે અમેરિકા સાથે મતભેદ હશે તો અનેક વિષયોમાં ભારતનો પલડું ભારે હશે. તેમણે કહ્યું કે ભારતની વિદેશ નીતિ હંમેશા રાષ્ટ્રીય હિતને પ્રાધાન્ય આપનારી જ રહેશે.