બાંગ્લાદેશની ઘટના પાછળ કયા દેશોનું ભારત વિરોધી ષડયંત્ર ? વાંચો
- બાંગ્લાદેશ : ભારત વિરુધ્ધ ચીન- પાકનું ષડયંત્ર હોઇ શકે
- ગુપ્તચરોએ દર્શાવી શંકા; પૂર્વ પીએમ અને જેલમાંથી છૂટેલા બેગમ ખાલિદા ઝિયા આતંકીઓના સહાયક
વોઇસ ઓફ ડે નવી દિલ્હી
બાંગ્લાદેશમાં હિંસક દેખાવો બાદ સેનાએ સત્તાની કમાન સંભાળી લીધી છે. શેખ હસીનાએ પીએમ પદ પરથી રાજીનામું આપી દીધું છે અને હાલમાં તેઓ ભારતમાં શરણ લઈ રહ્યાં છે. આ દરમિયાન સેનાએ સત્તા સંભાળતાની સાથે જ બાંગ્લાદેશની પૂર્વ પીએમ બેગમ ખાલિદા ઝિયાને મુક્ત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ સમગ્ર ઘટનાક્રમ અંગે ગુપ્તચરોએ એવી આશંકા દર્શાવી છે કે ભારત વિરુધ્ધ ચીન અને પાકનું કાવતરું પણ હોય શકે છે.
શેખ હસીનના કાર્યકાળ દરમિયાન ખાલિદા ઝિયા લાંબા સમય સુધી નજરકેદ હતી. ખાલિદા ઝિયા બાંગ્લાદેશના બે વખતના વડાપ્રધાન છે. તેમની પાર્ટી બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી હંમેશા ઇસ્લામિક કટ્ટરપંથીઓ તરફ કૂણું વલણ ધરાવે છે. આ કટ્ટરવાદીઓ હંમેશા પાકિસ્તાનની તરફેણ કરે છે.
બાંગ્લાદેશનો નકશો જોશો તો ખબર પડશે કે આ દેશ સંપૂર્ણપણે ભારતના ખોળામાં બેઠો છે. તે ભારતથી ઉત્તર, પશ્ચિમ અને પૂર્વ ત્રણ દિશામાં ઘેરાયેલું છે. તેની દક્ષિણે બંગાળની ખાડી છે. આ દેશની ભારત સાથે ચાર હજાર કિલોમીટરથી વધુની સરહદ છે. આ રીતે જો ભારતના ખોળામાં બેઠેલા કોઈપણ દેશનો વિનાશ થાય અથવા અસ્થિરતા સર્જાય તો ભારતે ચોક્કસપણે ચિંતા કરવાની જરૂર છે.
બીએનપી અને ભારત
જ્યાં સુધી ભારત પ્રત્યે બીએનપીના વલણનો ઇતિહાસ છે, તે બહુ સારો રહ્યો નથી. બીએનપી અને ખાલિદા ઝિયાના શાસન દરમિયાન આ દેશ આતંકવાદીઓનો ગઢ બની ગયો હતો. આ પાર્ટીએ કટ્ટરવાદ તરફ ઝોક ધરાવતી પાર્ટી છે. જ્યારે અવામી લીગ, જેની નેતા શેખ હસીના હતી, તે બિનસાંપ્રદાયિક-લોકશાહી ફેબ્રિકમાં માને છે. આ જ કારણ છે કે બાંગ્લાદેશની સ્થાપનાથી જ ભારત અવામી લીગને પ્રાધાન્ય આપે છે.