‘રેસ્ટ ઇન પીસ કરી દઇશું’….આ સાંસદને બિશ્નોઈ ગેંગ તરફથી મળી ધમકી, સલમાન ખાન કેસથી દૂર રહેવાની આપી ચેતવણી
બિહારના પૂર્ણિયાના સાંસદ પપ્પુ યાદવને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ધમકી અન્ય કોઇ નહીં, પણ લોરેન્સ ગેંગ દ્વારા આપવામાં આવી છે. આ ધમકીભર્યા કોલ કરનાર કોલરનો દાવો છે કે તે પપ્પુ યાદવના લોકેશન્સની સતત રેકી કરી રહ્યો છે અને તેમની હિલચાલ પર ચાંપતી નજર રાખી રહ્યો છે.એટલું જ નહીં ધમકીભર્યો કોલ કરનારે જણાવ્યું હતું કે પપ્પુ યાદવને સલમાન ખાન કેસથી દૂર રહેવાની ચેતવણી પણ આપવામાં આવી છે, પણ તેમણે ધ્યાન નથી આપ્યું, તેથી હવે તેમને જાનથી મારવાની ધમકી આપવામાં આવી છે. પપ્પુ યાદવે બિહારના ડીજીપીને આ મામલાની જાણકારી આપી છે, જેથી તેના પર કાર્યવાહી થઈ શકે.
ધમકી આપનાર વ્યક્તિનો દાવો છે કે લોરેન્સ બિશ્નોઈ કલાકના 1 લાખ રૂપિયા આપીને જેલમાં જામર બંધ કરાવીને પપ્પુ યાદવ સાથે વાત કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. પરંતુ પપ્પુ યાદવ ફોન ઉપાડતો નથી.
આ ઉપરાંત ઝારખંડની જેલમાં બંધ ગેંગસ્ટર અમનના સાગરિતે પણ પપ્પુ યાદવને ધમકી આપી હતી. સોશિયલ મીડિયા પર તેણે લખ્યું હતું કે, ‘પપ્પુ યાદવે લોરેન્સ ભાઈ વિશે વિપરીત નિવેદન આપ્યું છે. તમે તમારી મર્યાદામાં રહીને શાંતિથી રાજનીતિ કરો. ટીઆરપી કમાવાની રાજનીતિમાં નહીં પડો, નહીં તો તમારુ પણ ‘રામ બોલો ભાઇ રામ’ થઇ જશે.’
મુંબઈમાં NCP નેતા અને પૂર્વ પ્રધાન બાબા સિદ્દીકીની હત્યા બાદ પપ્પુ યાદવે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને ખુલ્લી ચેલેન્જ આપી હતી. તેમણે કહ્યું હતું કે જો કાયદો પરવાનગી આપે તો તેઓ 24 કલાકમાં લોરેન્સ બિશ્નોઈ જેવા બે કોડીના ગુનેગારના સમગ્ર નેટવર્કને ખતમ કરી દેશે.