પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ભૂટાન સહિત આ 41 દેશો અમેરિકા નહીં જઈ શકે !! ટ્રમ્પ કરી રહ્યા છે તૈયારી, વાંચો સમગ્ર માહિતી
અમેરિકાએ 41 દેશોના નાગરિકો પર અમેરિકામાં સંપૂર્ણ અથવા આંશિક રીતે પ્રવેશ બંધી કરવાની તૈયારી પૂર્ણ કરી લીધી છે. ટ્રાવેલ બાન માટેની આ યાદીમાં સમાવિષ્ટ દસ દેશોના નાગરિકો પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવશે. પાંચ દેશો પર આંશિક પ્રતિબંધ લગાવવાનો નિર્ણય લેવાયો છે જ્યારે પાકિસ્તાન સહિત 26 દેશોને 60 દિવસમાં ‘ તમામ ખામીઓ ‘ સુધારી લેવા અને નહિતર ટ્રાવેલ બાન માટે તૈયાર રહેવા તાકીદ કરી દેવાઈ છે.
અમેરિકામાં ગેરકાયદે પ્રવાસીઓના પ્રવેશને રોકવાના હેતુથી તેમજ અમેરિકાની સલામતી માટે જોખમી જણાય તેવા દેશોની યાદી બનાવવા માટે ટ્રમ્પે વિવિધ વિભાગોને આદેશ કર્યો હતો તેના અનુસંધાને અલગ અલગ ત્રણ કેટેગરીમાં 41 દેશોની યાદી બનાવવામાં આવી હતી.તે પૈકી પ્રથમ જૂથના 10 દેશોના નાગરિકો માટે સંપૂર્ણ બાન નક્કી કરવામાં આવ્યો છે. બીજા જૂથના પાંચ દેશો – એરીટેરા, હાઈતી, લાઓસ, મ્યાનમાર અને સાઉથ સુદાન ઉપર આંશિક પ્રતિબંધ લાદવામાં આવશે જેને કારણે પર્યટકો તેમજ વિદ્યાર્થીઓ માટે અમેરિકાના દ્વાર બંધ થઈ જશે.
ત્રીજા જૂથમાં આંશિક પ્રતિબંધ માટે પાકિસ્તાન, તુર્કમેનીસ્તાન, બેલારુસ, ભૂતાન અને વાનુઆતુ સહિતના 26 દેશોનો સમાવેશ થાય છે. આ દેશોને તેમની ખામીઓ સુધારી લેવા માટે સાઈઠ દિવસની મહોલત આપવામાં આવી છે. જોકે કઈ ખામીઓ તે અંગે વહીવટી તંત્રએ કોઈ સ્પષ્ટતા કરી નહોતી.
આ સાત મુસ્લિક દેશો સહિત દસ રાષ્ટ્રો પર સંપૂર્ણ બાન
અફઘાનિસ્તાન, ક્યુબા, ઈરાન, લીબીયા, નોર્થ કોરિયા સોમાલિયા, સુદાન, સીરિયા, વેનેઝુએલા અને યમન પર સંપૂર્ણ ટ્રાવેલ બાન મૂકવામાં આવશે. આ યાદી પૈકીના સાત મુસ્લિમ દેશો છે. નોંધનીય છે કે ટ્રમ્પે તેના પ્રથમ કાર્યકાળ દરમિયાન પણ આ સાત દેશોના નાગરિકો પર ટ્રાવેલ બાન મૂક્યો હતો.
