દાને દાને મેં કેન્સર કા દમ! RMCની ફૂડ શાખા દ્વારા વિમલ-RMD ગુટખાના જવાબદારોને 23 લાખનો દંડ
અત્યારે રાજકોટમાં ગૂટખાનું વેચાણ તો થઈ રહ્યું નથી પરંતુ પાનમસાલાની પડીકી અને તમાકુની પડીકીને મીક્સ કરીને ગૂટખાનું સેવન જરૂર થઈ રહ્યું છે. આ પ્રકારે શહેરમાં સૌથી વધુ વીમલ નામની પડીકી વેચાઈ રહી છે ત્યારે વર્ષો પહેલાં મહાપાલિકાની ફૂડ શાખા દ્વારા વિમલ ગુટખા (કેસરયુક્ત) અને આરએમડી ગુટખાના નમૂના લેવામાં આવ્યા હતા જે પરિક્ષણમાં ફેઈલ ગયા બાદ કોર્ટ કાર્યવાહી શરૂ થતાં આખરે ચુકાદો આવ્યો હતો અને બન્ને કંપનીના મળી કુલ પાંચ લોકોને પાંચ વર્ષની સજા અને 23 લાખનો દંડ ફટકારાયો હતો.
ફૂડ શાખા દ્વારા મવડી મેઈન રોડ પર ઉદયનગર-2માં આવેલી જ્યોતિ સેલ્સ એજન્સીમાંથી વિમલ ગુટખા (કેસરયુક્ત)નો નમૂનો લેવામાં આવ્યો હતો. આ પછી પરિક્ષણ દરમિયાન તેમાં મેગ્નેશિયમ કોર્બોનેટ તેમજ નિકોટિનની હાજરી મળી આવતા તેને અનુસરક્ષિત જાહેર કરવામાં આવ્યો હતો. આ અંગેનો કેસ ચાલી જતા કોર્ટ દ્વારા નમૂનો આપનાર સુરેશ ઠાકરશીભાઈ વેકરીયા, પેઢીના ભાગીદાર રાજેશ ઠાકરશીભાઈ વેકરિયાને પાંચ વર્ષની સજા અને ત્રણ-ત્રણ લાખનો દંડ, જ્યોતિ સેલ્સ એજન્સીને ત્રણ લાખનો દંડ, દીપક રાવત (મેનેજર-પ્રોડક્શન એન્ડ માર્કેટિંગ)ને પાંચ વર્ષની સજા અને 3.50 લાખનો દંડ, વિષ્ણુ પાઉચ પેકેજિંગ પ્રા.લિ. કે જે ઉત્પાદક પેઢી છે તેના સંચાલકને 3.50 લાખનો દંડ અને છ મહિનાની સજા ફટકારાઈ હતી. આમ કુલ 16 લાખનો દંડ કરવામાં આવ્યો હતો.
આ જ રીતે ફૂડ શાખાના ફૂડ સેફ્ટી ઓફિસર એચ.જી.મોલિયા દ્વારા કૂવાડવા રોડ પર ભારત પેટ્રોલ પંપની બાજુમાં આવેલી ભાભા એજન્સીમાંથી આરએમડી ગુટખાનો નમૂનો લેવામાં આવ્યો હતો જે પણ ફેઈલ જતાં મે.ધારીવાલ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના નોમિનીને પાંચ વર્ષની સજા તેમજ 3.50 લાખનો દંડ અને મે.ધારીવાલ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (ઉત્પાદક પેઢી)ને 3.50 લાખનો દંડ મળી કુલ સાત લાખનો દંડ કરવામાં આવ્યો હતો.
