હનુમાનજીની ધ્વજા ઉતારી લેવા મુદ્દે કર્ણાટકમાં તંગદિલી, જુઓ
પોલીસ દ્વારા લાઠીચાર્જ,144મી કલમ
રાષ્ટ્રધ્વજને બદલે હનુમાનજીની ધ્વજા લગાવી દીધી હોવાનો પોલીસનો દાવો
કર્ણાટકના માંડ્યા જિલ્લા ના કેરાગોડુ ગામમાં 108 ફૂટના ધ્વજ દંડ ઉપરથી હનુમાનજીની ધ્વજા ઉતારી લેવામાં આવતા ભારે ધમાલ થઈ હતી. વિરોધ કરી રહેલા ગ્રામજનોને કાબુમાં લેવા પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. વાતાવરણ તંગ બનતાં 144 ની કલમ લાગુ કરવામાં આવી હતી. ભાજપ અને જેડીએસ એ કોંગ્રેસ હિન્દુ વિરોધી અને ધર્મ વિરોધી હોવાનો આક્ષેપ કરી આખા કર્ણાટકમાં વિરોધ પ્રદર્શન કરવાનું એલાન કર્યું હતું. બીજી તરફ ધ્વજ દંડ ઉપર રાષ્ટ્રધ્વજને બદલે હનુમાનજીનો ધ્વજ લગાવવામાં આવ્યો હોવાનો પોલીસે આક્ષેપ કર્યો હતો.
પ્રાપ્ત વિગત મુજબ ભાજપ અને જેડીએસના કાર્યકર્તાઓએ કોરાગોડુ અને આસપાસના 11 ગામડાના લોકોના ફાળા માંથી 108 ફૂટનો આ ધ્વજ દંડ સ્થાપિત કર્યો હતો. ગ્રામ પંચાયતે પણ તેની મંજૂરી આપી હતી. પરંતુ તેની ઉપર હનુમાનજીની ધ્વજા ફરકાવવામાં આવતા કેટલાક લોકોએ વિરોધ કર્યા બાદ ગ્રામ પંચાયત દ્વારા એ ધ્વજ ઉતારવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. એ પ્રસંગે લોકોના જંગી ટોળા એકત્ર થઈ જતા વાતાવરણ સ્ફોટક બન્યું હતું. એ દરમિયાન કાંકરીચાળો થતા પોલીસે લાઠી ચાર્જ કર્યો હતો અને બાદમાં હનુમાનજીની ધ્વજા ઉતારી અને રાષ્ટ્રધ્વજ લગાવી દીધો હતો.
આ બનાવ બાદ ભાજપ દ્વારા કર્ણાટકમાં અનેક સ્થળે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. બેંગલુરુમાં ભાજપના કાર્યકરોએ જય શ્રીરામ અને વંદે માતરમના નારા સાથે રસ્તા બ્લોક કરી દીધા હતા. કર્ણાટકના મુખ્યમંત્રી સીધ્ધારમૈયાએ ભાજપ માંડ્યા જિલ્લામાં કોમી તનાવ ફેલાવવા માંગતો હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમણે કહ્યું કે રાષ્ટ્ર ધ્વજની જગ્યાએ હનુમાનજીની ધ્વજા ફરકાવવાનું કૃત્ય કોઈપણ સંજોગોમાં ચલાવી શકાય નહીં. ભાજપ લોકસભાની ચૂંટણી પહેલા ધર્મના મુદ્દે લોક લાગણી ભડકાવતો હોવાનો કર્ણાટકના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર શિવકુમારે પણ આક્ષેપ કર્યો હતો.