ફૂડ લવર્સ ચેતજો! રાજકોટમાં શુદ્ધ ઘી, જાંબુ, પનીર અને મોદક ખાવાલાયક નહીં,શિખંડ-માવા સહિતની આઇટમો હલકી ગુણવત્તાવાળી
રાજકોટ શહેરમાં મહાનગર પાલિકાના ફૂડ વિભાગ દ્વારા સતત ચેકીંગ કરવાની સાથે એડજયુકેટિંગ ઓફિસર દ્વારા ખાણીપીણીના ધંધાર્થીઓને આકરા દંડ ફટકારવામાં આવતા હોવા છતાં પણ ભેળસેળીયા ધંધાર્થીઓ સુધરવાને બદલે જનઆરોગ્ય સાથે ચેડા કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે. આવા જ કિસ્સામા આરએમસી દ્વારા લેવામાં આવેલા શિખંડ, મોદક, શુદ્ધ ઘી અને પનીરના નમૂના સબ સ્ટાન્ડર્ડ આવતા એડજયુકેટિંગ ઓફિસર અને અધિક જિલ્લા કલેકટર દ્વારા અલગ અલગ પાંચ કેસમાં કુલ રૂ.2.90 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
રાજકોટ કોર્પોરેશન દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાંથી લેવામાં આવેલ ખાદ્યપદાર્થના નમૂના સબ સ્ટાન્ડર્ડ આવતા એડજયુકેટિંગ ઓફિસર અને અધિક કલેકટર આલોક ગૌતમ સમક્ષ ફૂડ કેસ ચાલી જતા વાણીયાવાડી વિસ્તારમાં આવેલ સીયારામ વિજય પટેલ આઈસ્ક્રીમ એન્ડ ડેરી ફાર્મમાંથી લેવામાં આવેલ ગાયના શુધ્ધ ઘીનો નમૂનો સબસ્ટાન્ડર્ડ આવતા ડેરીફાર્મ સંચાલકને રૂ.1.80 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. એ જ રીતે પેડક રોડ પર આવેલ હરે રામ હરે કૃષ્ણ ડેરી ફાર્મમાંથી લેવાયેલ શુધ્ધ ઘીનો નમૂનો સબ સ્ટાન્ડર્ડ આવતા ડેરી સંચાલક મનસુખ ભવાન ગોંડલિયાને રૂ.10 હજારનો દંડ ફટકરાવમાં આવ્યો હતો.
જયારે મહાદેવ વાડીમાં આવેલ શ્રધ્ધા ગુલાબ જાંબુમાંથી લેવામાં આવેલ મોળા માવાનો નમૂનો સબ સ્ટાન્ડર્ડ આવતા પેઢીના સંચાલકને રૂ.50 હજાર, મવડીની ખોડીયાર ડેરી ફાર્મમાંથી લેવાયેલ કેશરશીખંડનો નમૂનોસબસ્ટેન્ડર્ડ આવતા રૂ.20 હજારનો દંડ ફટકારી શહેરના ભારતીનગરમાં આવેલ વિશાલ ચાઈનીઝ-પંજાબીમાંથી પનીરનો નમૂનો ફેઈલ થતા રૂ.10 હજાર તેમજ નવા થોરાળામાં આવેલ નીલેષ ડેરી ફાર્મમાંથી ચોકલેટ મોદકનો નમૂનો સબસ્ટાન્ડર્ડ આવતા રૂ.20 હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
