નવુ યુધ્ધ ગમે ત્યારે થઈ શકે છે : સેનાના વડા ઉપેન્દ્ર દ્વિવેદીનું નિવેદન, ગુજરાતના આ દરિયાકિનારે આવતીકાલથી નૌસેનાની ફાયરિંગ ડ્રિલ
ભારતીય સેનાના વડા જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી ચેન્નાઈમાં આઈ.આઈ.ટી-મદ્રાસ ખાતે યોજાયેલા ભારતીય સેનાના રીસર્ચ સેલના ઉદઘાટન પ્રસંગે કહ્યુ હતું કે, હવે પછીનું યુદ્ધ ગમે ત્યારે થઇ શકે છે. હવેના યુદ્ધમાં દુશ્મન એકલો નહી હોય. ભારતને તેની બંને બોર્ડર ઉપર પડકાર છે. તેમણે કહ્યુ હતું કે, આપણે યુદ્ધ માટે તૈયાર રહેવું પડશે. એટલુ જ નહી સાથે મળીને લડવું પડશે. આવનારા યુદ્ધમાં દેશવાસીઓનો પણ સહકાર જરૂરી છે.
તેમણે કહ્યુ હતું કે, ઓપરેશન સિંદુર દરમિયાન અમને ખબર ન હતી કે દુશ્મનની નવી ચાલ શું હશે..આ યુદ્ધ દરમિયાન અમે ચેસની જેમ લડ્યા હતા. અમને ખબર ન હતી કે, તેમની ચાલ શું હશે અને આપણે શું કરવાના છીએ. આ સ્થિતિને ગ્રે ઝોન કહેવામાં આવે છે. આવી સ્થિતિમાં આપણે પારંપરિક યુદ્ધથી થોડું અલગ કર્યું.
ઓખા-પોરબંદર તટ નજીક ભારતીય નૌસેનાની આજથી ફાયરિંગ ડ્રીલઃ પાક. પણ ડ્રીલ કરશે
ઓપરેશન સિંદૂર હજુ પણ ચાલુ છે. પાકિસ્તાનને પાઠ ભણાવી દીધા બાદ ભારતીય સેના હજુ પણ વિરતાનું પ્રદર્શન કરવા તૈયાર છે. ભારત અને પાકિસ્તાનની નૌસેના એક જ દિવસે ફાયરિંગ ડ્રીલ કરવાની છે. 11 ઓગસ્ટ એટલે કે આજે 11.30 વાગ્યાથી ૧-૩૦ વાગ્યા સુધી ઓખા તટ નજીક ભારતીય નૌસેના ફાયરિંગ ડ્રીલ કરશે. 12મીએ એટલે કે આવતી કાલે પોરબંદર તટ નજીક રાત્રે 12.30થી સવારના 6.30 સુધી ડ્રીલ થશે. આ માટે ભારત અને પાક.ની બન્ને સેનાઓ દ્વારા વોર્નિંગ પણ જાહેર કરી દેવામાં આવી છે જેને નેવીગેશન એરિયા વોર્નિંગ કહેવામાં આવે.
ઓપરેશન સિંદૂરમાં સેનાને છુટ્ટો દોર અપાયો હતો: આર્મી ચીફ

આટલી રાજકીય સ્પષ્ટતા પહેલી વખત જોઈ ભારતીય સેનાના વડા જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ ઓપરેશન સિંદૂરની સફળતાનો શ્રેય રાજકીય નેતૃત્વને આપ્યો હતો. તેમણે સ્પષ્ટ કર્યું કે સેનાને નિર્ણયો લેવાની પૂરતી સ્વતંત્રતા આપવામાં આવી હતી.ઓપરેશન સિંદૂરમાં સેનાના હાથ બાંધી લેવામાં આવ્યા હોવાના કોંગ્રેસ અને વિપક્ષના આક્ષેપો વચ્ચે સેના પ્રમુખે આપેલ આ નિવેદનોને રાજકીય રીતે પણ ખૂબ સૂચક માનવામાં આવે છે.
IIT મદ્રાસ ખાતે એક કાર્યક્રમમાં બોલતા સેના પ્રમુખે જણાવ્યું કે પહેલગામ આતંકવાદી હુમલા બાદ 7 મે ના રોજ શરૂ કરાયેલું આતંકવાદ વિરોધી અભિયાન સરકારી સ્તરે રાજકીય નિશ્ચય અને વ્યૂહાત્મક સ્પષ્ટતા દ્વારા સંચાલિત હતું. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સંરક્ષણ મંત્રી સાથેની ઉચ્ચ સ્તરીય બેઠકો દરમિયાન સેનાને ‘ મુક્ત હાથ’ આપવાના નિર્ણયની પ્રશંસા કરી હતી.
આખો ઘટનાક્રમ વર્ણવતા તેમણે કહ્યું કે પહલગામ હુમલાના બીજા દિવસે અગત્યની બેઠક મળી હતી.તેના સેનાની ત્રણેય પાંખના વડા ઉપસ્થિત હતા.એ બેઠકમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ કહ્યું કે”બસ, હવે બહુ થયું.” સેના પ્રમુખે કહ્યું કે રક્ષા મંત્રીએ આ શબ્દો કહ્યા હોય એવું પહેલી વખત બન્યું.સેનાની ત્રણેય પાંખના વડા પણ ખૂબ જ સ્પષ્ટ હતા કે કંઈક કરવું પડશે.
જનરલ દ્વિવેદીએ ઉમેર્યું કે સરકારે તેમને છૂટો દોર આપ્યો.તેમણે કહ્યું,” અમને કહેવામાં આવ્યું કે તમે નક્કી કરો કે શું કરવું” સેના પ્રમુખે રાજકીય નેતૃત્વની ભરપૂર પ્રશંસા કરતા કહ્યું કે આ પ્રકારનો આત્મવિશ્વાસ, રાજકીય દિશા અને રાજકીય સ્પષ્ટતા અમે પહેલીવાર જોઈ.
આ પણ વાંચો : રાજકોટ પોલીસ કંટ્રોલ રૂમમાં વીજળી ‘ગાયબ’: કલાકો સુધી લાઈટ ન આવતા કોમ્પ્યુટર ઠપ્પ, કામ ખોરવાયું
‘ સેનાને સ્વતંત્રતા ‘નો વિવાદ બની ગયો રાજકીય મુદ્દો
તા.10 જૂનના રોજ ઇન્ડોનેશિયાની એક યુનિવર્સિટીમાં યોજાયેલ સેમિનારમાં ઇન્ડોનેશિયા ખાતેના ભારતના ડિફેન્સ એટેચી કેપ્ટન શિવકુમારે કરેલા એક ખુલાસાને પગલે
વિવાદના મંડાણ થયા હતા. કેપ્ટન શિવકુમારે, ઓપરેશન સિંદૂરના પ્રથમ દિવસે પાકિસ્તાનના લશ્કરી થાણા ઉપર હુમલા ન કરવાના રાજકીય નેતૃત્વએ આપેલા આદેશને કારણે ભારતે કેટલાક વિમાન ગુમાવવા પડ્યા હોવાનું જણાવ્યું હતું. તેમના આ ખુલાસા બાદ વિપક્ષોએ, સરકારે સેનાના હાથ બાંધી દીધા હોવાનો આક્ષેપ કર્યો હતો. રાહુલ ગાંધીએ સંસદમાં પણ એ પ્રકારની ટીકા કરી હતી.બાદમાં બેંગલુરુ ખાતે એક કાર્યક્રમમાં બોલતા વાયુ સેનાના વડા એપી સિંહે પણ સેનાને છુટ્ટો દોર અપાયો હોવાનો દાવો કર્યો હતો અને એ મુદ્દે થતાં વિવાદને ગણાવ્યો હતો.
અને હવે સેનાના વડા જનરલ દ્વિવેદીએ પણ એ જ વાત કરી છે.તેમના આ નિવેદન બાદ ભાજપે રાહુલ ગાંધી ઉપર જુઠાણા ફેલાવવાનો આક્ષેપ કર્યો હતો. આ મુદે હજુ પણ રાજકીય વિવાદ વકરવાની સંભાવના છે.
