હિન્દુઓનું અપમાન સંયોગ કે પ્રયોગ?: મોદી
હિન્દુ સમાજે વિચારવું પડશે
વડાપ્રધાને લોકસભામાં ચર્ચા પર આક્રમક જવાબ આપ્યો: રાહુલને બાળબુદ્ધિ
ગણાવ્યા: કોંગ્રેસે ચૂંટણીઓમાં હારવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો: નીટ જેવા કાંડ
રોકવા સરકાર ગંભીર: યુવાનોને સેનામાં આવતા રોકવાનું કોંગ્રેસનું કાવતરું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પરની ચર્ચાનો મંગળવારે લોકસભામાં ભારે વિસ્તૃત અને આક્રમક જવાબ આપીને નામ લીધા વગર રાહુલ ગાંધીના ભાષણના ભૂક્કા બોલાવી દીધા હતા. રાહુલ ગાંધીએ હિન્દુ સમાજ વિશે સોમવારે આપેલા નિવેદનનો જડબાતોડ જવાબ આપીને વડાપ્રધાને કહ્યું હતું કે, હિન્દુ સમાજ અત્યંત સહનશીલ અને માનવતાપ્રેમી છે. હવે દેશના હિન્દુ સમાજે વિચારવું પડશે કે આ અપમાન સંયોગ છે કે પ્રયોગ છે. આ કોઇ નવા પ્રયોગની તૈયારી છે કે કેમ? વડાપ્રધાનના પૂરા ભાષણ દરમિયાન વિપક્ષે બધી જ વિનય અને વિવેક કોરાણે મૂકીને સતત દેકારો કર્યો હતો. વડાપ્રધાને ૨૦૨૪ની ચૂંટણીનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે, ત્રીજી વખત જનતાએ અમારી નિષ્ઠા જોઇને સત્તા સોંપી છે અને કોંગ્રેસે નિષ્ફળતાનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. ૧૯૮૪ બાદ લોકસભાની ૧૦ ચૂંટણી થઇ છે અને તેમાં કોંગ્રેસના ક્યાંય સરનામા રહ્યા નથી અને તે ૨૦૦ બેઠકને પણ ટચ કરી શકી નથી.
રાહુલ ગાંધીના ભાષણને બાળબુદ્ધિ સાથે સરખાવીને વડાપ્રધાને જનોઇવઢ પ્રહાર કર્યો હતો અને રાહુલ ગાંધીને બાળબુદ્ધિ ગણાવીને કહ્યું હતું કે, માત્ર બાળબુદ્ધિ સમજીને આવા લોકોને માફ કરી શકાય નહીં. સંસદની ગરીમાનો ભંગ કરીને ગૃહમાં સતત જુઠ બોલીને ગૃહની ગરીમાને ઘટાડવામાં આવી છે અને તેની સામે કઠોર કાર્યવાહીની જરૂર છે.
પારદર્શક પરીક્ષા માટે સરકાર ગંભીર
વડાપ્રધાને પોતાના ભાષણમાં નીટ પેપર લીકનો પણ ઉલ્લેખ કર્યો હતો અને એમ કહ્યું હતું કે હું દેશના દરેક વિદ્યાર્થીને વિશ્વાસ આપું છું કે સરકાર આવી ઘટનાઓને રોકવા માટે અત્યંત ગંભીર છે. પેપર લીક મામલામાં ધરપકડો થઇ રહી છે. યુદ્ધસ્તર પર કામગીરી કરવાનો આદેશ છે. પેપર લીકને લઇને અમે આ પહેલા પણ સખત કાયદો બનાવી ચૂક્યા છીએ. હજુ પણ બીજા પગલાં લેશું.
બાળબુદ્ધિ સામે અનેક આરોપના કેસ
રાહુલ ગાંધી પર આકરો પ્રહાર નામ લીધા વગર કરીને વડાપ્રધાને કહ્યું હતું કે, બાળબુદ્ધિ જ્યારે સંપૂર્ણ રીતે સવાર થઇ જાય છે ત્યારે આવી ઘટનાઓ બને છે. હજારો કરોડ રૂપિયાની હેરાફેરીના કેસમાં મહાશય જામીન પર છે. ઓબીસી પર કોમેન્ટ કરવા માટે એમને સજા મળી ચૂકી છે. સુપ્રીમ કોર્ટના આદેશ પર કોમેન્ટ કરવા બદલ માફી માગવી પડી છે. વીર સાવરકરના અપમાનનો એમના પર કેસ છે. દેશની સૌથી મોટી પાર્ટીના પ્રમુખને હત્યારા કહેવાનો કેસ એમની સામે છે. અનેક અદાલતોમાં જુઠ બોલવાનો કેસ છે. આવા લોકો ગૃહમાં ક્યારેક ગળે વળગી જાય છે અને ક્યારેક આંખ પણ મારે છે.
યુવાનોને સેનામાં રોકવાનું કાવતરું
વડાપ્રધાન મોદીએ અગ્નિવીર યોજનાનો ઉલ્લેખ અને તેની સામે કોંગ્રેસ અને તેના નેતાઓના કુપ્રચારનો ભાંડો ફોડીને એમ કહ્યું હતું કે અગ્નિવીર યોજના વિશે ભયંકર જુઠ ફેલાવવામાં આવી રહ્યું છે અને કોંગ્રેસ યુવાનોને સેનામાં આવતા રોકવા માગે છે અને સતત જુઠ બોલવામાં આવી રહ્યું છે.
પરજીવી કોંગ્રેસ
કોંગ્રેસના ગાભાં કાઢીને વડાપ્રધાને કહ્યું કે, ૨૦૨૪ની ચૂંટણીથી કોંગ્રેસ હવે પરજીવી ગણાશે. ૯૯ માર્ક લઇને રાજી-રાજી થઇને ફરતા બાળક જેવી એમની હાલત છે. ટીચરને જ્યારે ખબર પડે છે કે બાળક મીઠાઇ વહેંચી રહ્યો છે ત્યારે ટીચર ખખડાવે છે કે શેની ઉજવણી કરી રહ્યા છો? ૧૦૦માંથી ૯૯ નથી લાવ્યા, તમે ૫૪૩માંથી ૯૯ લાવ્યા છો. કોંગ્રેસની ૧૩ રાજ્યમાં ૦ સીટ છે. આ લોકો સાથી પક્ષોના સહારે આટલી બેઠકો જીતી શક્યા છે, નહીંતર તેમનું નામું નંખાઇ જાત. ભાજપ અને કોંગ્રેસની જ્યાં સીધી ટક્કર હતી ત્યાં કોંગ્રેસનો સ્ટ્રાઇક રેટ ફક્ત ૨૬ ટકા રહ્યો છે.
વિપક્ષમાં બેસવાનો જનાદેશ
વડાપ્રધાને ૨૦૨૪ની ચૂંટણીના પરિણામ અંગે દેશની જનતાનો આભાર માનીને કહ્યું હતું કે, લોકો ખૂબ સારી રીતે સમજે છે કે કોંગ્રેસથી કંઇ થવાનું નથી. આ લોકો ગોટાળાબાજ અને ભ્રષ્ટાચારી જ રહ્યા છે. ૨૦૧૪ પહેલા હજારો કરોડોના ભ્રષ્ટાચાર જ થયા છે એટલા માટે ૨૦૨૪ની ચૂંટણીમાં કોંગ્રેસને વિપક્ષમાં જ બેસવાનો જનાદેશ મળ્યો છે.