રજા પર રહેલા કોન્સ્ટેબલે વિદ્યાર્થીને પતાવી દીધો
અમદાવાદના બોપલમાં વિદ્યાર્થી પ્રિયાંશુની હત્યા કરનાર સરખેજ પોલીસ મથકના કોન્સ્ટેબલની પંજાબથી ધરપકડ
અનેક વિવાદમાં સપડાયેલો વીરેન્દ્રસિંહ પઢેરિયા ઘરેથી `ફરવા જાઉં’છું કહીને નીકળ્યો’તો
આખા અમદાવાદને હચમચાવી નાખે તેવો હત્યાનો કિસ્સો ૧૦ નવેમ્બરે બોપલ વિસ્તારમાં બન્યો હતો જ્યાં ગાડી સરખી ચલાવવાનું કહેતાં જ ગીન્નાયેલા પોલીસ કોન્સ્ટેબલે વિદ્યાર્થીને છરીના ઘા મારી પતાવી દીધો હતો. આ હત્યાને અંજામ આપ્યા બાદ તે પંજાબ ફરાર થઈ ગયો હતો જેનું લોકેશન મળતાં જ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પંજાબથી તેને પકડી પાડ્યો હતો.
આ ઘટના અંગે વધુમાં જાણવા મળતી વિગતો પ્રમાણે ચાર દિવસ પહેલાં બોપલ વિસ્તારમાં એમઆઈસીએના વિદ્યાર્થી પ્રિયાંશુ જૈનની હત્યા થઈ હતી. આ હત્યાને અંજામ કોણે આપ્યો તે જાણવા માટે લાંબી મથામણ કર્યા બાદ આરોપીનો સ્કેચ તૈયાર કરવામાં આવ્યો હતો જે પછી એવો ખુલાસો થયો હતો કે આ હત્યા સરખેજ પોલીસ મથકના કોન્સ્ટેબલ વીરેન્દ્રસિંહ પઢેરિયાએ કરી હતી. પ્રિયાંશુએ વીરેન્દ્રસિંહને કાર સરખી ચલાવવા બાબતે ટકોર કરી હતી પરંતુ વીરેન્દ્રસિંહે ઉશ્કેરાઈ જઈને છરીથી હુમલો કર્યો હતો. આ પછી પ્રિયાંશુને સારવાર માટે ખસેડાયો હતો જ્યાં તેનું પ્રાણપંખેરું ઉડી જવા પામ્યું હતું.
આ હત્યાને અંજામ આપ્યા બાદ વીરેન્દ્રસિંહ પંજાબ ફરાર થઈ ગયો હતો જેનું લોકેશન મળી જતાં ક્રાઈમ બ્રાન્ચે ત્યાં જઈને પકડી પાડ્યો હતો.
વીરેન્દ્રસિંહ હત્યા કરી ત્યારે સીક લીવ પર હતો અને પરિવારને પોતે હરિયાણા-પંજાબ ફરવા જઈ રહ્યો છે તેવું કહીને નીકળ્યો હતો. તે સરખેજ પોલીસ મથકના ઈન્વેસ્ટીગેશન વિભાગમાં નોકરી કરતો હોવાનું ખુલવા પામ્યું છે. હત્યા કર્યા બાદ તે પોતાની કારમાં જ પંજાબ ભાગી ગયો હતો જેના આધારે જ ક્રાઈમ બ્રાન્ચે તેની ધરપકડ કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે વીરેન્દ્રસિંહ પઢેરિયા અનેક વિવાદો સાથે જોડાયેલો હતો. અગાઉ તે સેટેલાઈટ પોલીસ મથકમાં હતો ત્યારે કોલ સેન્ટરમાં ભૂંડી ભૂમિકા બાબતે સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. આ પછી તેને નારોલ પોલીસ મથકમાં મુકાયા બાદ થોડા સમય પહેલાં જ સરખેજ પોલીસ મથકમાં બદલી થતાં ત્યાં હાજર થયો હતો. જ્યારે જેની હત્યા થઈ જે મુળ ઉત્તરપ્રદેશનો પ્રિયાંશુ જૈન મિત્ર સાથે બાઈક પર જઈ રહ્યો હતો ત્યારે વીરેન્દ્રસિંહ સાથે માથાકૂટ થઈ હતી.
વીરેન્દ્રસિંહ કોલ સેન્ટર ચલાવતો, રેડ દરમિયાન પકડાયો’તો
સાત વર્ષ પહેલાં એસઓજી દ્વારા બાવળા-સાણંદ રોડ પર આવેલા સાંઈ ક્રિસ્ટલ કોમ્પલેક્સના પહેલા માળે દરોડો પાડીને મસમોટું કોલ સેન્ટર પકડી પાડવામાં આવ્યું હતું જેમાં કોન્સ્ટેબલ વીરેન્દ્રસિંહ રૂપસિંહ પઢેરિયા ઉપરાંત એક યુવતી, બે સગીર સહિત ૧૩ લોકોને ૭ લાખના મુદ્દામાલ સાથે દબોચવામાં આવ્યા હતા. આ ટોળકી દ્વારા વિદેશી લોકો પાસેથી મોટાપાયે પૈસા પડાવાયા હોવાનો ગુન્હો નોંધાયો હતો.