ટંકારાના લજાઇ નજીક સ્ટેટ મોનીટરીંગ સેલનો દરોડો, વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપાયો
મોરબી જિલ્લામા ફરી આજે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ ત્રાટકી છે, એસએમસીએ ટંકારા પોલીસને ઊંઘતી રાખી લજાઈ ગામની સીમમાં હડમતીયા રોડ ઉપર દરોડો પાડી ૧૮૦ પેટી જેટલો દારૂનો જથ્થો ઝડપી લીધો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલના ડીવાયએસપી કે.ટી.કામરીયાના વતન એવા ટંકારા તાલુકાના લજાઈ હડમતીયા રોડ ઉપર એસએમસીએ ફેકટરીના ગોડાઉન દરોડો પાડી અંદાજે ૧૮૦ પેટીથી વધુ વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો હતો. જો કે, એસએમસી દ્વારા દરોડા અંગેની સતાવાર વિગતો હજુ સુધી જાહેર કરાઈ નથી.
ઉલ્લેખનિય છે કે, સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે અગાઉ ટંકારામા કમ્ફર્ટ હોટલમા જુગારધામના તોડ પ્રકરણમાં ટંકારાના પ્રથમ પીઆઇને ઘરભેગા કર્યા બાદ તાજેતરમાં જ ગેરકાયદેસર હથિયાર અને નકલી ઓઇલ મામલે પણ દરોડો પાડી કાર્યવાહી કરી
હતી તેવામાં સ્થાનિક પોલીસને અંધારામાં રાખી એસએમસીએ વધુ એક સફળ
દરોડો પાડતા મોરબી પોલીસ બેડામાં ચકચાર જાગી છે.