ચેક રિટર્ન કેસમાં ઇનસ્યોરન્સ કંપનીના પૂર્વ બ્રાન્ચ મેનેજરને એક વર્ષની જેલ
અમરેલીમાં આવેલી બિરલા ઇનસ્યોરન્સ કંપનીના બ્રાન્ચ મેનેજરે ફરિયાદી પાસેથી ઇનસ્યોરન્સના નામે રૂ.૫ લાખ લઈને તે રકમ ચૂકવવા આપેલો ચેક રિટર્ન થતાં કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો.જેમાં અદાલતે આરોપી હિરેન જોષીને એક વર્ષની સજાનો હુકમ કર્યો હતો.
આ કેસની હકીકત મુજબ, અમરેલીમાં રહેતા અને સોના ચાંદીનો વેપાર કરતા સાગર દિલીપભાઈ પરીખ પાસેથી બિરલા ઇનસ્યોરન્સ કંપનીના બ્રાન્ચ મેનેજર તરીકે નોકરી કરતો હિરેન જોષીએ તેના કાકાની ઓળખાણ આપીને ઇયર એન્ડિંગ હોવાથી ટાર્ગેટ પૂરો કરવા ફરિયાદીના પૂરા પરીવારનું ઇન્સ્યોરન્સ કરાવી રૂ.૫ લાખ લીધા હતા. જે બાદ ફરિયાદીને કોઈ વીમો દીધેલ ન હતો અને રૂપિયા પણ પરત આપેલા ન હતા.જેથી સાગર પરીખે પોલીસમાં અરજી કરતા તપાસ ચાલુ હતી તે દરમીયાન આરોપીએ રૂ.૫ લાખનો ચેક આપ્યો હતો.જે ચેક બેંકમાં જમાં કરાવતા પરત ફર્યો હતો. જેથી આરોપી વિરૂદ્ધ નેગોશીયબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ ૧૩૮ હેઠળ અદાલતમાં ગુનો નોંધવામાં આવ્યો હતો.
જે કેસ ચાલવા પર આવતા ફરિયાદીના વકીલે કરેલી ધારદાર દલીલો અને રજૂઆતો તેમજ રજૂ કરેલા વડી અદાલતના ચુકાદાને ધ્યાનમાં લઈને અદાલતે આરોપી હિરેન જોષીને એક વર્ષની સજા તેમજ જો વળતર પેટે રૂ.૫ લાખ ન ચૂકવે તો વધુ ૬ માસની સજાનો હુકમ કર્યો હતો. આ કેસમાં ફરિયાદી વતી એડવોકેટ ધર્મશ.એન.શેઠ, હિત.ડી.શેઠ,અંકુર.ડી.શેઠ રોકાયેલા હતા.