‘હવે ગામમાં આવ્યા તો જીવતા નહીં રહો’ કહી પોલીસમેન પર પથ્થરમારો
લોઠડા ગામે અરજીની તપાસમાં ગયેલા આજીડેમ પોલીસના ASI અને કોન્સ. પર માતા-પુત્ર સહિત ચારે ધમકીઓ આપી હુમલો કરતાં બંને ઘવાયા : તમામની અટકાયત
બે પક્ષો વચ્ચે કેબીન રાખવા બાબતે માથાકૂટ થતાં પોલીસ તપાસ કરવા ગઈ ત્યારે બનાવ બન્યો
રાજકોટમાં લોકોનું રક્ષણ કરતી પોલીસ જ હવે સુરક્ષિત ન હોઇ તેવો એક બનવા સામે આવ્યો છે. શહેરમાં કોઠારીયા રોડ પર આવેલ લોઠડમાં અરજીની તપાસમાં ગયેલ આજીડેમ પોલીસ મથકના સ્ટાફ પર ગેરેજ સંચાલક અને તેના પરિવારે પથ્થરમારો કરી ધમકીઓ આપી હતી. અને બનાવમાં બંને પોલીસમેન ઘવાયા હતાં. જેથી આ મામલે આજીડેમ પોલીસે માતા-પુત્ર સહિત ચાર સામે ફરજ રૂકાવટનો ગુનો નોંધી તેઓની અટકાયત કરી છે.
બનાવની વધુ મળતી વિગતો મુજબ,આજીડેમ પોલીસ મથકમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતાં જગદીશસિંહ રવુભા પરમારે નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે લોઠડા ગામે રહેતા મુન્ના બાબુભાઈ મકવાણા, જયેશ મુન્નાભાઈ મકવાણા, શાંતાબેન બાબુભાઈ મકવાણા અને ભાનુબેન મકવાણાના નામ આપતા જણાવ્યું હતું કે,લોઠડા ગામે વડાલીયા કંપનીની બાજુમાં નાસ્તાની રેંકડી ધરાવતાં ફીરોજભાઈ સલીમભાઈ સોલંકીએ બાબુભાઈ મકવાણા અને તેના પરિવાર વિરૂધ્ધ કેબીન રાખવા બાબતે ઝઘડો કરતાં હોવાની અરજી આપી હતી. જેથી પોલીસે સામાવાળા બાબુભાઈને ફોન કરી પોલીસ સ્ટેશને નિવેદન નોંધાવવા માટે આવવાનું જણાવતાં તેમણે પોલીસ સ્ટેશને આવવાની ના પાડી દીધી હતી. જેથી ફરિયાદી જગદીશસિંહ એ.એસ.આઈ રવિ વાંક અરજીના કામે તપાસ માટે લોઠડા ગામે ગયો હતો. ત્યારે ત્યાં આરોપી મુન્ના બાબુભાઈ મકવાણા હાજર હોય જેણે બાબુભાઈ મકવાણા વિશે પુછતાં તેણે ફોન કરી અન્ય આરોપીઓને બોલાવી લીધા હતાં.તમામ આરોપીઓ પોલીસને ‘તમે અમને ખોટી રીતે હેરાન કરો છો, તમે ફીરોજભાઈ સાથે મળેલા છો’ તેમ કહી ઝઘડો કર્યો હતો.
બાદમાં પોલીસ પર પથ્થરમારો કર્યો હતો તથા લોખંડના પાઈપ વડે માર મારતાં સાથેના કોન્સ્ટેબલ મહાવીરસિંહને વાસાના ભાગે ઈજા પહોંચી હતી. અને હવે ગામમાં તપાસ માટે આવ્યા તો જીવતા જવા દઈશુ નહીં કહી ખૂનની ધમકી આપી હતી. જેથી પોલીસે ગુનો નોંધી તમામ આરોપીઓની અટકાયત કરી છે.