પહેલા પૂછ્યું મુસ્લિમ છો? પછી મારા પતિને ગોળી મારી! અમરનાથની યાત્રા પહેલા કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલો
અમરનાથની યાત્રા શરૂ થયા પહેલા જ જમ્મુ-કાશ્મીરમાં મોટી ઘટના સામે આવી છે. જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર આતંકવાદી હુમલો થતાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે જ્યારે 12 પ્રવાસીઓ ઘાયલ થયા છે. ત્યારે આ મામલે જવાનોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. તેમજ સુરક્ષા એજન્સીઓ પણ સતર્ક થઈ ગઈ છે. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને પેટ્રોલિંગ પણ વધારી દેવામાં આવ્યું છે. પહેલગામમાં પર્યટકો પર થયેલા હુમલાની જવાબદારી આતંકી જૂથ લશ્કર એ તોઈબાના સંગઠન TRFએ લીધી છે. ઘાયલ પ્રવાસીઓને પહેલગામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આમાં ચાર બિન-કાશ્મીરી અને બે સ્થાનિક લોકોનો સમાવેશ થાય છે.
શું છે સમગ્ર ઘટના ?
મંગળવારે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં એક મોટો આતંકવાદી હુમલો થયો. બેસરનમાં, આતંકવાદીઓએ પ્રવાસીઓ અને સ્થાનિક લોકો પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં એક વ્યક્તિનું મોત થયું હતું અને 12 લોકો ઘાયલ થયા હતા, જેમાં પ્રવાસીઓ અને સ્થાનિક લોકોનો સમાવેશ થાય છે. આ હુમલો અમરનાથ યાત્રા શરૂ થવાના થોડા મહિના પહેલા જ થયો છે, જેના કારણે સુરક્ષા ચિંતાઓ વધી ગઈ છે. પહેલગામ આતંકવાદી હુમલાના પ્રત્યક્ષદર્શીઓએ ભયાનક દ્રશ્યનું વર્ણન કર્યું. આ હુમલાની જવાબદારી આતંકવાદી સંગઠન TRF એ લીધી છે. કાશ્મીરમાં આતંકી હુમલા બાદ વડાપ્રધાને સાઉદી અરબથી ગૃહ મંત્રી અમિત શાહ સાથે વાતચીત કરી હતી અને કડક પગલા ભરવાનો નિર્દેશ આપ્યો છે તેમજ ઘટના સ્થળની મુલાકાત લેવાની પણ સૂચના આપવામાં આવી છે.
આતંકી હુમલમાં 1નું મોત : મહિલાએ જણાવી આપવીતી
પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં એક મહિલાના પતિનું ગોળી મારીને મોત થયું હતું. હુમલા બાદ ઘણા વીડિયો પણ સામે આવ્યા છે, જેમાં સ્થાનિક લોકો અને પ્રવાસીઓને ભાગતા જોઈ શકાય છે. આવો જ એક વીડિયો સામે આવ્યો છે જેમાં એક મહિલા પોતાની આપવીતી જણાવે છે કે આતંકવાદીઓએ તેના પતિને ગોળી મારી દીધી છે. આ પહેલા આતંકવાદીએ પૂછ્યું કે શું તે મુસ્લિમ છો ? અને તેના પતિને ગોળી ધરબીને હત્યા કરી હતી.
વડાપ્રધાન મોદીએ અમિત શાહ સાથે કરી વાતચીત
આતંકવાદી હુમલા બાદ, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સાઉદી અરેબિયાથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે ફોન પર વાત કરી હતી અને યોગ્ય કાર્યવાહી કરવાના નિર્દેશ આપ્યા હતા. શાહે એક કટોકટી બેઠક બોલાવી છે. આ બેઠકમાં IBના ગૃહ સચિવ અને ગૃહ મંત્રાલયના અન્ય અધિકારીઓ હાજર છે. જમ્મુ અને કાશ્મીરના ડીજીપી વર્ચ્યુઅલી આ બેઠકમાં જોડાયા. જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ આ હુમલાની નિંદા કરી અને કહ્યું કે મહેમાનો પર હુમલો કરવો એ ખૂબ જ ઘૃણાસ્પદ કૃત્ય છે. સુરક્ષા દળોએ આતંકવાદીઓને પકડવા માટે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.