PM મોદી બિહાર અને મધ્યપ્રદેશની મુલાકાતે : વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર, ખેડૂતોના ખાતામાં રૂ.22 હજાર કરોડ ટ્રાન્સફર કર્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી મધ્ય પ્રદેશનો પ્રવાસ પૂર્ણ કરી સોમવારે બિહારની મુલાકાતે ગયા હતા. અહીં ભાગલપુરમાં રોડ શો થયો હતો અને મોદીએ વિરાટ સભા સંબોધીને વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા હતા અને કેન્દ્ર સરકારના કલ્યાણકારી કામોનો ખ્યાલ આયો હતો. એમણે કોંગ્રેસ અને રાજદ સહિતના વિપક્ષનો ઉધડો લઈને કહ્યું હતું કે રામ મંદિરથી ખિજાઈ જનાર લોકો હવે મહાકુંભને વખોડી રહ્યા છે . જંગલરાજવાળાઓને આસ્થાથી નફરત છે . વડાપ્રધાનની ૮ માસમાં બિહારની ૪ થી મુલાકાત હતી. એમણે નીતિશકુમારને લાડકા સીએમ કહ્યા હતા.
મોદીએ ભાગલપુરમાં કિસાન સન્માન સમારોહના મંચ પરથી પીએમ કિસાન યોજનાનો 19મો હપ્તો રીલીઝ કર્યો હતો તેમજ અન્ય ઘણા વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે કહ્યું કે, મહાકુંભના સમયમાં આ પૃથ્વી પર આવવું એ પોતાનામાં એક મોટો લહાવો છે. આ ભૂમિમાં શ્રદ્ધા, વારસો અને વિકસિત ભારતની ક્ષમતા છે. આજે આ જમીન પરથી કિસાન સન્માન નિધિનો બીજો હપ્તો બહાર પાડવામાં આવ્યો છે. હું બિહાર અને દેશના તમામ ખેડૂત પરિવારોને શુભકામનાઓ પાઠવું છું.
એમણે કહ્યું, મેં લાલ કિલ્લા પરથી કહ્યું છે કે વિકસિત ભારતના ચાર મજબૂત સ્તંભ છે. આમાં, આધારસ્તંભ ગરીબો, ખેડૂતો, યુવાનો અને મહિલાઓ છે. ખેડૂત કલ્યાણ એ એનડીએ સરકારની પ્રાથમિકતા છે. પહેલા ખેડૂતોની સ્થિતિ કેવી હતી તે બધા જાણે છે. જે લોકો પશુ ચારો ખાઈ શકે છે તેઓ પરિસ્થિતિ બદલી શકતા નથી. આજે ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ખાતર મળે છે. કોરોના સંકટ દરમિયાન પણ ખાતરની કોઈ અછત નહોતી. કોંગ્રેસ અને રાજદ દ્વારા ખેડૂતોની અવગણના થઈ હતી.
ખેડૂતોને રૂપિયા ૨૨ હજાર કરોડ ટ્રાન્સફર કર્યા
વડાપ્રધાને ભાગલપુરથી પીએમ કિસાન સન્માન નિધિનો ૧૯ મો હપ્તો રીલીઝ કર્યો હતો અને દેશના ૧૦ કરોડ ખેડૂતોના ખાતામાં કૂલ રૂપિયા ૨૨ હજાર કરોડની જંગી રકમ ટ્રાન્સફર કરી હતી. જેમાં બિહારના ૭૫ લાખ ખેડૂતોનો સમાવેશ થાય છે . વડાપ્રધાને કહ્યું કે એનડીએની સરકારે જ ખેડૂતોનું કલ્યાણ કર્યું છે.
ભોપાલમાં કહ્યું, દુનિયાના રોકાણકારોને ભારત પર જ વિશ્વાસ, અદાણી ૨.૧ લાખ કરોડનું રોકાણ કરશે
આ પહેલા વડાપ્રધાન મોદીએ મધ્ય પ્રદેશમાં પોતાના કાર્યક્રમો સંપન્ન કર્યા હતા અને ભોપાલમાં ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટનું ઉદઘાટન કરીને કહ્યું હતું કે આજે દુનિયા આખી ભારત તરફ જોઈ રહી છે અને અહીં વિકાસની અપાર સંભાવનાઓ તરફ એમનું લક્ષ્ય રહ્યું છે . દુનિયાભરના રોકાણકારોને ભારતમાં જ ભરોસો છે . દેશનું અર્થતંત્ર ઝડપથી આગળ વધી રહ્યું છે અને દુનિયામાં ભારતના અર્થતંત્રનો પ્રભાવ દેખાઈ રહ્યો છે . આ તકે ગૌતમ અદાણી જૂથે મધ્ય પ્રદેશમાં રૂપિયા ૨.૧ લાખ કરોડના રોકાણની જાહેરાત કરી હતી.