છેલ્લા 15 દિવસમાં ડેન્ગ્યુના 52 કેસ નોંધાયા : એકનું મોત
તાવ-શરદી-ઉધરસના 68 કેસમાંથી 2ના મોત : મલેરિયાના 5 કેસ તો પેટના દુખાવાના 24 કેસ નોંધાયા
ચાલુ વર્ષે ચોમાસા ઋતુ દરમિયાન સારો વરસાદ નોંધાયા બાદ થોડા સમયના વિરામ બાદ ફરી ચાર દિવસથી રાજકોટ શહેર અને જિલ્લામાં વરસાદી ઝાપટા વરસી રહ્યા છે. ત્યારે હવે નવરાત્રિ પૂર્ણ થયા બાદ મિશ્ર ઋતુના કારણે ડેન્ગ્યુ,મેલેરિયા અને તાવ-શરદી-ઉધરસ કેસો સતત વધતા જોવા મળી રહ્યા છે.ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 15 દિવસમાં ડેન્ગ્યુના 52 કેસ નોંધાયા છે.અને તેમાં એક દર્દીનું મોત થયું હતું.જયારે તાવ-શરદી-ઉધરસના 68 કેસ નોંધાયા હતા.જેમાં બે લોકોના મોત થયા હતા.
રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય તંત્ર દ્વારા ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકુનગુનિયા વગેરે જેવા રોગોને નિયંત્રિત કરવા માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે. છેલ્લા 15 દિવસમાં મલેરિયાના 5 કેસ નોંધાતા રાજકોટ શહેરમાં ચાલુ વર્ષ દરમિયાન મેલેરિયા કેસની સંખ્યા 30 પહોંચી છે. જ્યારે ડેન્ગ્યુના નવા 52 કેસ નોંધાતા ચાલુ વર્ષ દરમિયાન ડેન્ગ્યુ કેસની સંખ્યા 272 પહોંચી છે. જ્યારે ચિકુનગુનિયાના 3 કેસ નોંધાતા તેના વાર્ષિક કેસની સંખ્યા 30 પહોંચી છે. અને શરદી-ઉધરસના 1,112 કેસ, સામાન્ય તાવના 673 કેસ અને ઝાડા-ઉલટીના 166 કેસ નોંધાયા છે.ત્યારે તાવ-શરદી-ઉધરસના કારણે છેલ્લા 15 દિવસમાં 2ના મોત થયા છે. ઉપરાંત પેટમાં દુખાવાના 24 કેસ નોંધાયા છે.
આ રોગચાળા દ્વારા ઉભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્તરે ઘનિષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે. વાહક નિયંત્રણની કામગીરી હેઠળ ઘરોમાંપોરાનાશક અને ફોગિંગની કામગીરી કરવામાં આવી રહી છે.