રાજકોટ મહાપાલિકાની ચૂંટણી પહેલાં `ગોઠવણ’ કરી ફોર્મ પરત ન ખેંચી લ્યે તે માટે ચારથી પાંચ ગાડી સોમવારે બપોરે જ રવાના
હવે બુધવારે ફોર્મ પરત ખેંચવાનો દિવસ પૂર્ણ થયા બાદ જ રાજકોટ લવાશે: પહેલીવાર ઉમેદવારોને રાજકોટ છોડાવતાં પક્ષના મોવડીઓ
રાજકોટ મહાપાલિકાની ચૂંટણી આડે હજુ ૧૩ દિવસનો સમય બાકી રહ્યો છે ત્યારે રાજકીય પક્ષો શાસન મેળવવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી સહિતના પક્ષોના ઉમેદવારોએ ઉમેદવારી પત્રક જમા કરાવી દીધું છે અને બુધવારે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ હોય તે પહેલાં કોંગ્રેસ એક્શનમાં આવી ગઈ છે. પોતાના ઉમેદવારો ધાક-ધમકી કે અન્ય કોઈ લોભ-લાલચમાં આવીને ફોર્મ પરત ન ખેંચી લ્યે તે માટે ૩૨ જેટલા ઉમેદવારોને તાત્કાલિક સાસણ ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું.
આ અંગે કોંગ્રેસના સૂત્રોએ જણાવ્યું કે ઉમેદવારો હરિફ પક્ષો સાથે કોઈ જ પ્રકારની `ગોઠવણ’ ન કરી લ્યે તેમજ દબાણવશ ન થઈ જાય તે માટે પક્ષના હોદ્દેદારો દ્વારા તમામને સાસણ ખાતે રિસોર્ટમાં ખસેડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ અંતર્ગત સોમવારે બપોરે જ ચારથી પાંચ ગાડીમાં ૩૨ જેટલા ઉમેદવારોને સાસણ ખસેડવામાં આવ્યા હતા. વળી, સાસણ લઈ જવામાં આવેલા ઉમેદવારો ફોન ઉપર કોની સાથે વાત કરે છે, શું વાત કરે છે, તેને કોના-કોના ફોન આવે છે તે નજર રાખવા માટે પણ ખાસ ટુકડી તૈનાત કરવામાં આવી હોવાનું બહાર આવ્યું હતું.હવે સાસણ લઈ જવાયેલા ઉમેદવારોને બુધવારે ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ થયા બાદ જ રાજકોટ લાવવામાં આવશે. રાજકોટ કોંગ્રેસમાં પહેલીવાર આવું બન્યું છે કે જ્યારે મહાપાલિકાની ચૂંટણી પહેલાં કોંગ્રેસ દ્વારા તેના ઉમેદવારોને રાજકોટ બહાર લઈ જવામાં આવ્યા છે સાથે સાથે આ ઉમેદવારોને બુધવાર બાદ જ પ્રચારકાર્યમાં પણ જોતરવામાં આવશે.
