શાપર-વેરાવળમાં ૨૦ વર્ષીય યુવકને ગાયે
ઢીંકે ચડાવતા પગમાં ફેક્ચર જેવી ઇજા પહોંચી હતી જોકે યુવક લાંબા સમયથી ડાયાબિટીસની બીમારીથી પીડાતો હોય ત્યારે ઓપરેશન શક્ય ન બનતા અને દુખાવો અસહ્ય થતા તેણે કંટાળીને એસિડ પી જિંદગી ટૂંકાવી લીધી હતી.
મળતી માહિતી મુજબ, શાપર (વેરાવળ)માં ભૂમિ ગેટ નજીક રહેતો નિતેશ નાજાભાઈ મકવાણા (ઉં.વ.૨૦) નામના યુવકે મંગળવારે સવારે પોતાના ઘરે એસિડ પી લીધું હતું. હાલત લથડતા તેને તાત્કાલિક શાપરની હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે જાણ થતાં શાપર પોલીસનો સ્ટાફ હોસ્પિટલ દોડી જઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મૃતક નિતેશ બે ભાઈ અને એક બહેનમાં બીજા નંબરનો હતો. તેને ગંભીર ડાયાબિટીસ હોવાથી તે કોઈ કામધંધો કરી શકતો ન હતો. થોડા દિવસો પહેલા ગાયે તેને ઢીંકે ચડાવતા તેનો પગ ભાંગી ગયો હતો.પરંતુ રિપોર્ટમાં ડાયાબિટીસનું પ્રમાણ ખૂબ જ વધારે આવતા ઓપરેશન થયું ન હતું જે બાદ અસહ્ય પીડાથી યુવક માનસિક રીતે ભાંગી પડતાં તેણે આ પગલું ભરી લીધું હતું.
શાપર-વેરાવળમાં ગાયે ઢીંકે ચડાવતા પગ ભાંગ્યો ‘તો, અસહ્ય પીડા સામે હારી જઇ ૨૦ વર્ષીય યુવકે ભર્યું પગલું
